કાશ્મીરી પંડીતોને લશ્કર-એ-તૈયબાએ ધમકી આપી : નોકરી છોડો નહીંતર મોતનો સામનો કરો

કાશ્મીરી પંડીતોને લશ્કર-એ-તૈયબાએ ધમકી આપી : નોકરી છોડો નહીંતર મોતનો સામનો કરો

(એજન્સી)     શ્રીનગર, તા. ૧૦ 
લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા આતંકવાદી સંગઠન યુનાઇટેડ લિબરેશન કાઉન્સિલ (ULC) દ્વારા જારી કરાયેલી નવી ધમકીઓને કારણે કાશ્મીર ઘાટીમાં ફરજ બજાવતાં આશરે ૭,૦૦૦ કાશ્મીરી પંડિત કર્મચારીઓની સુરક્ષા પર ગંભીર જોખમ ઊભું થયું છે.
આતંકવાદીઓએ કર્મચારીઓનાં ફોન નંબર, રહેઠાણના સરનામાં અને વાહનોના નંબર જેવી અત્યંત સંવેદનશીલ માહિતી ઇન્ટરનેટ પર જાહેર કરી દીધી છે. ૧૯૯૦ના દાયકાની હિંસક પેટર્નની જેમ જ પંડિતોને ટાર્ગેટ કરીને નોકરીઓ છોડી દેવા અથવા જીવ ગુમાવવાની ખુલ્લી ધમકીઓ મળતાં જ આખા પંડીત સમુદાયમાં દહેશત વ્યાપી ગઈ છે.
છેલ્લા એક જ મહિનામાં આતંકવાદીઓ તરફથી આવી પાંચમી ધમકી સામે આવતાં સરકારી કર્મચારીઓની અસુરક્ષા ચરમસીમાએ પહોંચી છે. આતંકવાદી જૂથોએ સીધી જ ચેતવણી આપી છે કે જો રાજીનામું નહીં આપવામાં આવે તો કર્મચારીઓને શબવાહિનીઓમાં વતન મોકલવામાં આવશે.