સોના-ચાંદીમાં તેજીનું તોફાન : સોનુ રૂા.૧,પ૦,૭૦૦ : ચાંદી રૂા.૩,૧૯,૯૦૦

સોના-ચાંદીમાં તેજીનું તોફાન : સોનુ રૂા.૧,પ૦,૭૦૦ : ચાંદી રૂા.૩,૧૯,૯૦૦

(બ્યુરો)           રાજકોટ, તા. ૨૦
સોના-ચાંદીમાં વિશ્વસ્તરે  સર્જાયેલું તેજીનું તાંડવ સતત ચાલુ જ રહ્યું છે અને રોજેરોજ ભાવ નવી નવી સર્વોચ્ચ સપાટીને આંબી રહ્યા છે. આજે પણ બંને કિંમતી ધાતુમાં જોરદાર ઉછાળો નોંધાયો હતો. પરંતુ ચાંદીમાં ૬૦૦૦ તથા સોનામાં ૧૧૦૦ રૂપિયા વધી ગયા હતા. સોનાનો ભાવ રૂા.૧.પ લાખને પાર થઇ ગયો હતો. 
રાજકોટમાં આજે હાજર સોનુ દોઢ લાખનું લેવલ ક્રોસ કરીને ૧,પ૦,૭૦૦ થયું હતું. કોમોડીટી એકસચેંજમાં ભાવ ૧૧૦૦ રૂપિયા વધીને ૧,૪૬,૭પ૦ થયો હતો. વિશ્વ બજારમાં ૪૭૦૦ ડોલરના માર્ગે ધસમસતુ હોય તેમ ૪૬૯૦ ડોલર થઇને ૪૬૮૦ ડોલર સાંપડયું હતું. રાજકોટમાં હાજર ચાંદી ૩,૧૭,ર૦૦ થઇ હતી. કોમોડીટી એકસચેંજમાં ભાવ ૩,૧૯,૯૦૦ થઇને ૩,૧૬,૪૯૦  સાંપડયો હતો. વિશ્ર્વબજારમાં ભાવ ૯૪.૭૧ ડોલર થઇને ૯૩.પ૭ ડોલર સાંપડયો હતો. 
સોના-ચાંદીની એકધારી તેજીથી માર્કેટમાં સોંપો પડી ગયો છે અને કારોબારમાં મોટો ઘટાડો છે. રાજકોટના જ એક જવેલરીએ કહ્યું કે છેલ્લા કેટલાક દિવસો દરમ્યાન મુખ્યત્વે ચાંદીમાં જ અસામાન્ય તેજી થઇ હતી અને અનેક વેપારીઓ તેજીમાં ફસાઇ જતા કારોબાર લગભગ ઠપ્પ જેવો થઇ ગયો હતો. હવે સોનામાં તેજીની ચાબુક લાગી હોય તેમ દોઢ લાખની મનોવૈજ્ઞાનિક સપાટી પાર થઈ ગઇ છે અને વધુ જોરથી ઉછાળો આવે તેવા એંધાણ વર્તાવા લાગ્યા છે. આ સંજોગોમાં આવતા દિવસોમાં સોનાના કારોબારને પણ અસર થવાનું માનવામાં આવી રહ્યું છે. કમુહૂર્તા પૂર્ણ થવા સાથે માર્કેટમાં થોડો સળવળાટ આવવાની આશા રાખવામાં આવી રહી હતી પરંતુ પ્રવર્તમાન તેજીના વાવાઝોડાને ધ્યાને લેતા વેપાર વ્યાપક રીતે પ્રભાવિત થવાની આશંકા છે.