સ્વ. ટી. એલ. વાળા કન્યા વિદ્યાલય જૂનાગઢ ખાતે ગુરૂપૂણિર્મા નિમિત્તે ગુરૂવંદન કાર્યક્રમ યોજાયો

સ્વ. ટી. એલ. વાળા કન્યા વિદ્યાલય જૂનાગઢ ખાતે ગુરૂપૂણિર્મા નિમિત્તે ગુરૂવંદન કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૧
સ્વ. ટી. એલ. વાળા કન્યા વિદ્યાલય, જૂનાગઢ ખાતે ગુરૂપૂણિર્માના પાવન અવસરે ‘ગુરૂ વંદન‘ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ ભારતીય સંસ્કૃતિમાં ગુરૂના મહિમાને ઉજાગર કરવાનો તથા વિદ્યાર્થીઓમાં ગુરૂ પ્રત્યે આદર, શ્રદ્ધા અને કૃતજ્ઞતાની ભાવના વિકસાવવાનો હતો. કાર્યક્રમની શરૂઆત મંગલાચરણ અને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ પોતાના શિક્ષકોનું તિલક કરી, પુષ્પ અર્પણ કરીને અને ચરણસ્પર્શ કરીને ગુરુપૂજન કર્યું. આ પ્રસંગે સમગ્ર વાતાવરણ ગુરૂભક્તિ અને આદરભાવથી ઓતપ્રોત બની ગયું. ગુરૂપૂણિર્માના મહત્ત્વ વિષયક વિદ્યાર્થીઓ દ્વારા પ્રેરણાદાયી વક્તવ્યો રજૂ કરવામાં આવ્યા, જેમાં ગુરુનું જીવનમાં રહેલું અનન્ય સ્થાન અને તેમના માર્ગદર્શનનું મહત્વ સુંદર રીતે સમજાવવામાં આવ્યું. કાર્યક્રમમાં ગુરૂ-શિષ્ય સંબંધ આધારિત દ્વિપાત્રીય અભિનય પણ રજૂ કરવામાં આવ્યો, જેને સૌએ ખૂબ જ પ્રશંસા કરી. કાર્યક્રમનું વિશેષ આકર્ષણ શાળાના શિક્ષક ડો. હેમલભાઈ રાજેન્દ્રસિંહ ઠાકોર દ્વારા રચિત પુસ્તક ‘ચાણક્યના વારસદારો‘નું વિમોચન હતું.
સંસ્થાના પ્રમુખ રામભાઈ વાળાના વરદહસ્તે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ લેખકને અભિનંદન પાઠવી પુસ્તકના વિષય અને તેના સામાજિક તથા શૈક્ષણિક મહત્વની પ્રશંસા કરી. અંતમાં શાળાના આચાર્ય જ્યોત્સનાબેન દુધાત્રા પોતાના આશીર્વચનમાં ગુરૂ-શિષ્ય પરંપરાના મૂલ્યોને જીવનમાં આત્મસાત કરવાની પ્રેરણા આપી તથા વિદ્યાર્થીઓને સદૈવ જ્ઞાનપ્રાપ્તિ માટે તત્પર રહેવા અનુરોધ કર્યો.
શાળાની વિદ્યાર્થીની ઓ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો. ગુરૂપૂણિર્માની ઉજવણી સૌના હૃદયમાં ગુરુ પ્રત્યે આદર અને કૃતજ્ઞતાની ભાવનાને વધુ દૃઢ બનાવનારી બની.