જૂનાગઢ જીલ્લાનાં ચાર ધામિર્ક સ્થળોનો પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ આવકાર્ય પરંતુ કાર્યવાહી માત્ર કાગળ પર જ ન રહે તે જરૂરી
જૂનાગઢ તા. ૧૬
જૂનાગઢ જીલ્લાનાં ચાર ધામિર્ક સ્થળોને પવિત્ર યાત્રાધામમાં સ્થાન આપવામાં આવનાર હોય આ અંગેની પ્રક્રિયા શરૂ કરવામાં આવતા લોકોમાં આનંદની લાગણી વ્યાપી છે તો બીજી તરફ પવિત્ર યાત્રાધામમાં સ્થાન પામ્યા બાદ માત્ર કાગળ ઉપર આ કાર્યવાહી ન રહે અને ઝડપથી તે દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લાગણી પ્રવર્તી રહી છે.
પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વવારા સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં ધામિર્ક સ્થળોને યાત્રાધામમાં સ્થાન આપવાની કાર્યવાહી તેમજ જે તે સ્થળોનાં સર્વાંગી વિકાસ માટેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે આ દરમ્યાન જૂનાગઢ જીલ્લાનાં સુપ્રસિધ્ધ ધામિર્ક સ્થળ સતાધાર, પરબ, મોણીયા અને બિલખા ખાતે આવેલી શેઠ શગાળશા અને ચેલૈયાની જગ્યાને યાત્રાધામમાં સમાવેશ કરવાની હીલચાલ શરૂ કરી છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર વિસાવદરનાં આપનાં ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા દ્વારા પોતાના મત ક્ષેત્રમાં આવતા પ્રસિધ્ધ ધામિર્ક સ્થળોને યાત્રાધામમાં સમાવેશ કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી જેને લઈને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કાર્યવાહી શરૂ થઈ છે જેમાં સચિવ રમેશ મેરજા દ્વારા જૂનાગઢનાં કલેકટર પાસેથી આ બાબતે દરખાસ્ત માંગવામાં આવી છે અને દરખાસ્ત બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવા નિર્દેશો મળી રહયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિસાવદર તાલુકાનાં તદન નજીક આવેલા સતાધારની જગ્યા કે જયાં આપાગીગા અને શામજી બાપુની ધામિર્ક જગ્યા રહેલી છે જયાં દેશભરમાંથી ભાવિકો દર્શર્નાર્થે આવે છે. આ ઉપરાંત ભેસાણ તાલુકાનાં પરબ ખાતે આવેલા સત્ દેવીદાસ અને અમરદેવીદાસની જગ્યા તરીકે ઓળખાતા આ ધામિર્ક સ્થળે પણ અષાઢી બીજનો ભવ્ય મેળો યોજાય છે. જયારે વિસાવદર નજીક આવેલ મોણીયા ગામ કે જયાં આઈ નાગબાઈનું ધામ છે અને રા’માંડલીકનાં સમયકાળમાં આઈ નાગબાઈ માતાજી થઈ ગયા હતા અને કોઈકાળે રા’માંડલિકથી દુભાઈ અને આઈ નાગબાઈએ શ્રાપ આપતા જૂનાગઢમાં સત્તા પલ્ટો આવ્યો હતો આવા પાવન પવિત્ર ધામ ખાતે પણ ભાવિકો મોટી સંખ્યામાં આવે છે જયારે બિલખા ખાતે આવેલા શેઠ શગાળશા અને ચેલૈયાની પવિત્ર જગ્યા કે જયાં દાનેશ્વરી કર્ણએ શેઠ શગાળશા તરીકે અવતાર ધારણ કર્યો હતો અને ભગવાને તેની આકરી કસોટી કરી હતી. સગા દિકરાનું બલિદાન દીધુ હતું અને આખરે ભગવના પ્રસન્ન થયા હતા.
આ ચારેય ધામિર્ક સ્થળો ભાવિકોની આસ્થાનું કેન્દ્ર છે અને તેને પવિત્ર યાત્રાધામમાં સ્થાન આપવામાં આવી રહયું છે ત્યારે તે કાર્યવાહી માત્ર કાગળ ઉપર ન રહે અને નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી અને માંગણી ભાવિકોમાં પ્રવર્તી રહી છે.


