અવની ઈન્ડસ્ટ્રીઝમાંથી રૂા. ૧.૩૩ લાખનાં કપુરની ચોરીનો ભેદ ઉકેલાયો : કર્મચારી જ ચોરાઉ મુદામાલ સાથે ઝડપાયો
જુનાગઢ તા.૧૬
જૂનાગઢના જૂના બાયપાસ રોડ પર હીંગળાજ હોટેલ સામે આવેલ ‘અવની ઇન્ડસ્ટ્રીઝ‘ નામના કારખાનામાંથી ગત તા. ૦૧ સપ્ટેમ્બરથી ૧૨ સપ્ટેમ્બર દરમ્યાન ૧૨૮ કિલોગ્રામ ભીમશેની કપૂરની ચોરીનો બનાવ બન્યો હતો. કારખાનાના માલિક નયનભાઈ સુરેશભાઈ વસાણીએ આ અંગે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોર ઈસમ સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો રજીસ્ટર કર્યો હતો.
દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર બી.જી. ચેતરીયા અને તેમની ટીમે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન બાતમી મળી હતી કે કારખાનામાં જ કામ કરતો આકાશ રમેશભાઈ ક્યાડા જ આ ચોરીમાં સંડોવાયેલ છે અને તે ચોરેલા કપૂર સાથે સરગવાડા નવા બાયપાસ પાસે ઊભો છે. બાતમીના આધારે પોલીસે તુરંત સ્થળ પર પહોંચી તેની અટકાયત કરી પૂછપરછ કરતા તેણે પોતાના જ શેઠના કારખાનામાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.
પોલીસની કડક પૂછપરછમાં સામે આવ્યું હતું કે તેણે ચોરી કરેલ કપૂર પૈકીનો અમુક જથ્થો બસ સ્ટેશન સામે આવેલ ‘ગીરીરાજ અગરબત્તી‘ના દિલીપભાઈ સેઠીયાને વેચી દીધો હતો. પોલીસે ૨૭ વર્ષીય આરોપી આકાશ ક્યાડાની અટકાયત કરી તેની પાસેથી કુલ ૧૩૭.૩૦૦ કિલોગ્રામ કપૂર, જેની કિંમત રૂ. ૧,૩૩,૯૬૦ થાય છે તે મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ સફળ કામગીરી ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ. બી.જી. ચેતરીયા, પી.એસ.આઈ. ડી.કે. પટેલ અને તેમની સ્ટાફની ટીમે પાર પાડી હતી.


