કારસેવકોની સ્મૃતિમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા જૂનાગઢમાં રક્તદાન મહાયજ્ઞનું આયોજન
હુતાત્મા દિવસ નિમિત્તે ૨ નવેમ્બર સુધી કારસેવકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે : ૧ નવેમ્બરે શ્રી જલારામ મંદિરે રક્તદાન કેમ્પ યોજાશે
જૂનાગઢ તા.૩૧
અયોધ્યા રામજન્મભૂમિ આંદોલન દરમિયાન ધર્મ અને આસ્થા માટે બલિદાન આપનાર કારસેવકોની પવિત્ર સ્મૃતિને વંદન કરવા દર વર્ષે ૩૦ ઓક્ટોબર થી ૨ નવેમ્બર દરમિયાન હુતાત્મા દિવસની ભાવભીની યાદ કરવામાં આવે છે. આ દિવસો કારસેવકોના સંઘર્ષ, સમર્પણ અને બલિદાનને યાદ કરવાનો અવસર છે. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા જૂનાગઢ મહાનગરના સહયોગથી કારસેવકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના હેતુથી સેવાકીય પ્રવૃત્તિરૂપે રક્તદાન મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. કારસેવકોના બલિદાનને સ્મરણમાં રાખીને તેમના માનવસેવા અને સમર્પણના ભાવને જીવંત રાખવાના ઉમદા આશય સાથે આ રક્તદાન કેમ્પ યોજવામાં આવી રહ્યો છે. ખાસ કરીને થેલેસેમિયા ગ્રસ્ત બાળકો તેમજ અન્ય જરૂરિયાતમંદ દર્દીઓને રક્તની અછતને કારણે મુશ્કેલી ન પડે અને તેમને સમયસર લોહી મળી રહે તેવા સેવાભાવી ઉદ્દેશ્ય સાથે આ અભિયાન હાથ ધરાયું છે.
આ રક્તદાન મહાયજ્ઞ આગામી તા. ૧ નવેમ્બર, ૨૦૨૬ના રવિવારના રોજ સાંજે ૫થી ૧૦ વાગ્યા સુધી જૂનાગઢના ઝાંઝરડા ચોકડી ખાતે આવેલા શ્રી જલારામ મંદિર ખાતે યોજાશે. આયોજકો દ્વારા યુવાનો, સામાજિક આગેવાનો અને તમામ રક્તદાતાઓને આ સેવાકાર્યમાં ઉત્સાહભેર જાેડાવા અપીલ કરવામાં આવી છે.
આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું હતું કે, કારસેવકોના બલિદાનને યાદ કરવાનો સાચો ભાવ માનવતા અને સેવાકાર્યના સંકલ્પને આગળ વધારવામાં રહેલો છે. રક્તદાન એ મહાદાન છે અને એક વ્યક્તિનું રક્તદાન જરૂરિયાતમંદ દર્દી માટે જીવનદાન બની શકે છે. ખાસ કરીને થેલેસેમિયા જેવા રોગથી પીડાતા બાળકોને નિયમિત રક્તની જરૂરિયાત રહેતી હોય છે. ત્યારે સમાજના દરેક સ્વસ્થ નાગરિકે રક્તદાન માટે આગળ આવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડવું જાેઈએ.
રક્તદાન કરવા ઇચ્છુક નાગરિકો વધુ માહિતી અને સંપર્ક માટે વિપુલભાઈ રાવત (૯૭૨૬૭ ૮૨૩૮૩), હિતેશભાઈ ખૂંટી (૯૬૮૭૩ ૨૭૦૦૦), જયભાઈ કોટક (૯૫૫૮૧૧૬૪૮૧ / ૮૩૨૦૨ ૫૨૨૬૨) તથા સંજયભાઈ રાખસિયા (૯૭૨૬૪ ૬૫૭૫૦)નો સંપર્ક કરી શકાશે. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને જૂનાગઢ મહાનગર દ્વારા કારસેવકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની સાથે આ સેવાયજ્ઞમાં વધુમાં વધુ લોકો સહભાગી બની રક્તદાન કરે તેવી હાર્દિક અપીલ કરવામાં આવી છે.


