ગીર સોમનાથ જિલ્લામાં "પી.એમ. કિસાન ઉત્સવ દિવસ"ની ઉજવણી, જિલ્લાકક્ષાનો એક અને તાલુકા કક્ષાએ ૫૬ ખેડૂતલક્ષી કાર્યક્રમ યોજાયા

શિક્ષણમંત્રી શ્રી ડો.પ્રદ્યુમનભાઇ વાજા, રાજ્યસભાના સાંસદ શ્રી માનસિંહભાઈ પરમાર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ-જિલ્લાના ૧.૧૬ લાખથી વધુ ખેડૂત પરિવારોના ખાતામાં રૂ. ૨૩.૨૦ કરોડથી વધુની સહાય જમા થઈ

ગીર સોમનાથ જિલ્લામાં "પી.એમ. કિસાન ઉત્સવ દિવસ"ની ઉજવણી, જિલ્લાકક્ષાનો એક અને તાલુકા કક્ષાએ ૫૬ ખેડૂતલક્ષી કાર્યક્રમ યોજાયા

(પ્રતિનિધિ દ્વારા)
પ્રભાસ પાટણ તા. ૩૧
ખેડૂતોની આવક વધારવા અને તેમને આર્થિક સહાય પૂરી પાડવાના હેતુથી અમલમાં મૂકવામાં આવેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (પી.એમ.-કિસાન) યોજના અંતર્ગત યોજનાનો ૨૪મો હપ્તો આજે જાહેર કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતે યોજાયેલાં રાષ્ટ્રીય કક્ષાના "પી.એમ. કિસાન ઉત્સવ દિવસ" કાર્યક્રમની સાથે સાથે ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લાકક્ષાનો એક કાર્યક્રમ નગરપાલિકા હોલ, ડાભોર રોડ, વેરાવળ ખાતે અને તાલુકા કક્ષાએ અન્ય ૫૬ ખેડૂતલક્ષી કાર્યક્રમ મળી કુલ ૫૭ ખેડૂતલક્ષી કાર્યક્રમો યોજાયા હતા.
શિક્ષણમંત્રી  ડો.પ્રદ્યુમન વાજા, રાજ્ય સભાના સાંસદ શ્રી માનસિંહભાઈ પરમાર સહિતના જિલ્લાના ધારાસભ્યોશ્રીઓ, પદાધિકારીઓ સહિતના મહાનુભાવો આ વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થયાં હતાં.  ગીર સોમનાથ જિલ્લામાં યોજાયેલા કાર્યક્રમ અંતર્ગત ૧.૧૬ લાખથી વધુ ખેડૂત પરિવારોના બેંક ખાતામાં રૂ. ૨૩.૨૦ કરોડથી વધુની સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી જમા કરવામાં આવી હતી.
કિસાન સન્માન નિધિ અંતર્ગત વેરાવળ તાલુકામાં ૧૭,૧૫૭ ખેડૂતોને રૂ.૩.૪૩ કરોડ, ઉના તાલુકામાં ૨૫,૮૧૮ ખેડૂતોને રૂ.૫.૧૬ કરોડ, ગીર ગઢડા તાલુકામાં ૧૬,૯૧૧ ખેડૂતોને રૂ.૩.૩૮ કરોડ, તાલાલા તાલુકામાં ૧૪,૩૨૭ ખેડૂતોને રૂ.૨.૮૭ કરોડ, સૂત્રાપાડા તાલુકામાં ૧૮,૯૫૬ ખેડૂતોને રૂ.૩.૭૯ કરોડ, કોડિનાર તાલુકામાં ૨૨,૮૨૮ ખેડૂતોને રૂ.૪.૫૭ કરોડ મળી કુલ ૧,૧૬,૦૨૭ ખેડૂતોને રૂ. ૨૩.૨૦ કરોડની રકમ ચોથા હપ્તા દ્વારા મળ્યાં હતાં.
જિલ્લા કલેકટર શ્રી જીતેન્દ્રસિંહ વાઘેલાએ આજનો દિવસ ખેડૂત સમાજ માટે ખૂબ ઉપયુક્ત અને સમયસરનો છે, તેમ જણાવી કિસાન સન્માન નિધિ હેઠળ મળતી રકમ ખેડૂત પરિવારો માટે ખૂબ ઉપયોગી બની છે તેમ જણાવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા ખેડૂત સમાજ માટે લેવામાં આવેલા પગલાંઓની વાત કરી અન્નદાતાનું ઉત્થાન થાય તે માટેનો આજનો કાર્યક્રમ છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં ખેતી ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનારા પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. પ્રગતિશીલ ખેડૂતોએ પોતાની પ્રગતિની વાત રજૂ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ફેબ્રુઆરી-૨૦૧૯થી અમલમાં છે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂત પરિવારોને દર વર્ષે રૂ. ૬,૦૦૦ની સહાય ત્રણ સમાન હપ્તામાં, દર ચાર મહિને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડી.બી.ટી.)ના માધ્યમથી સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં ૧૧ કરોડથી વધુ ખેડૂત પરિવારોને યોજનાના પ્રથમ ૨૩ હપ્તાઓ હેઠળ કુલ રૂ. ૪.૪૭ લાખ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. આજે જમા થયેલાં ૨૪મા હપ્તા હેઠળ દેશના ૯.૩૪ કરોડથી વધુ ખેડૂત પરિવારોને રૂ. ૧૮,૬૮૦ કરોડથી વધુની સહાય ડી.બી.ટી.ના માધ્યમથી ચૂકવવામાં આવી હતી.
ગુજરાત રાજ્યમાં પણ ૫૨.૩૩ લાખથી વધુ ખેડૂત પરિવારોના બેંક ખાતામાં રૂ. ૧,૦૫૧ કરોડથી વધુની સહાય જમા થઈ હતી. રાજ્યમાં પ્રથમથી ૨૩મા હપ્તા સુધીમાં ૬૯.૨૬ લાખથી વધુ લાભાર્થી ખેડૂત પરિવારોને કુલ રૂ. ૨૪,૧૩૭ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતે યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં ભારતના વડાપ્રધાનશ્રીના હસ્તે રૂ. ૩૨૮.૭૭ કરોડના ખર્ચે ભારત બોવાઈન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર (BBRC) સંકુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત, બનાસ ડેરીના થરાદ અને રાધનપુર ખાતેના બે કમ્પ્રેસ્ડ બાયોગેસ (CBG) પ્લાન્ટનું ભૂમિપૂજન તેમજ બનાસ ડેરીના નવા પોટેટો એક્સપાન્શન અને UHT-ASRS પ્રકલ્પોનું ઈ-ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય કક્ષાના આ કાર્યક્રમનું દેશનાં તમામ રાજ્યોમાં વેબકાસ્ટિંગ દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત, ગીર સોમનાથ જિલ્લામાં પણ ખેડૂતોએ આ પ્રસારણ નિહાળ્યું હતું. રાજ્યમાં જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, APMC, PACS, PMKSK અને FPO ખાતે પણ આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, પંચાયતી રાજના પ્રતિનિધિઓ, અધિકારીઓ, વૈજ્ઞાનિકો તથા મોટી સંખ્યામાં ખેડૂતો સહભાગી થયા હતા.  ગીર સોમનાથ જિલ્લામાં કુલ ૫૭ સ્થળોએ આ કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમો દ્વારા ખેડૂતોને સરકારની વિવિધ યોજનાઓની માહિતી, આર્થિક સહાય અને કૃષિ ક્ષેત્રે પ્રોત્સાહન પૂરું પાડવાની સાથે પ્રગતિશીલ ખેડૂતોની કામગીરીને બિરદાવવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી હેમીબેન વાજા, રાજ્ય બાળ આયોગના સભ્ય શ્રી અમૃતાબેન અખિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકર, નિવાસી અધિક કલેકટર શ્રી રાજેશ આલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી બી.બી. ડાંગર, પ્રાંત અધિકારી શ્રી જૈમિન કાકડિયા, કૃષિ વૈજ્ઞાનિકો, કૃષિ વિભાગના અધિકારીઓ-પદાધિકારીઓ અને જિલ્લાના કૃષિકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.