ધરમપુર ખાતે રાજય સરકારની ૧રમી ચિંતન શિબિરનો મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ

ધરમપુર ખાતે રાજય સરકારની ૧રમી ચિંતન શિબિરનો મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ

(બ્યુરો)             ધરમપુર,તા.૨૮
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની ૧૨મી ચિંતન શિબિરનો પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા સમયથી આગળનું વિચારીને અને સતત ચિંતન કરીને ગ્લોબલી આગળ રહેવાની સંસ્કૃતિ ચિંતન શિબિર થકી વિકસાવી છે. 
ગમે તેવી સ્થિતિ હોય દ્રઢ મનોબળ અને અડગ વિશ્વાસથી વિકાસની ગતિ અને સામાન્ય માનવીના ભલા માટેના કામોની દિશામાં આગળ વધવા માટે સામૂહિક ચિંતનનું પ્લેટફોર્મ આવી ચિંતન શિબિર પૂરું પાડે છે. 
મુખ્યમંત્રીએ દરેક ચિંતન શિબિરના પ્રારંભમાં પ્રસ્તુત થતા પ્રેરણા ગીત મનુષ્ય તું બડા મહાન હૈ ની વિભાવના મામિર્ક રીતે સમજાવતા કહ્યું કે, આપણામાં જે અનંત શક્તિ પડેલી છે તેની તાકાત-ક્ષમતા ઓળખીને પ્રજાના હિતનું કામ સતત કરતા રહેવું તેની પ્રેરણા ચિંતન શિબિરના વિચાર મંથનથી મળે છે. 
તેમણે કહ્યું કે, આપણને જે જવાબદારી મળી છે તેને પૂરી નિષ્ઠાથી નિભાવીએ અને લોકોના કામના નિકાલને બદલે ઉકેલ લાવીએ તેવા પોઝિટિવ થીંકીંગથી કાર્યરત રહીએ તો જ ઈશ્વરે આપણને આપેલી જન સેવાની તકને ઉજાળી શકીશું. આ માટે જે કામ કરીએ તેનું મૂલ્યાંકન ચિંતન કરીને તેના પરિણામોનું પણ મંથન સમયાંતરે કરવાની જરૂરિયાત તેમણે સમજાવી હતી.