જૂનાગઢ બાર એસોસિએશનની આગામી તા.૧૯ ડિસેમ્બરે ચૂંટણી

પ્રમુખ પદ માટે વર્તમાન પ્રમુખ જયદેવ જાેષી અને સેક્રેટરી ભાવેશ ઝીંઝુવાડીયા વચ્ચે મુકાબલો : મહિલા ટ્રેઝરરમાં ત્રિપાંખીયો જંગ થશે

જૂનાગઢ બાર એસોસિએશનની આગામી તા.૧૯ ડિસેમ્બરે ચૂંટણી
Dr. Abhishek Gandhi

જૂનાગઢ તા.૧૦
જૂનાગઢ બાર એસોસિએશનની આગામી તા.૧૯ ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે ત્યારે વકીલોમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. ઉમેદવારી પત્ર ખેંચવાના દિવસે જે ચિત્ર સામે આવ્યું છે તેમાં પ૪ ઉમેદવારો મેદાનમાં છે. ચૂંટણી આડે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે પ્રચાર તંત્ર પણ પુરજાેશથી શરૂ થયું છે. 
વોટ્એપ સહિતના સોશ્યલ મિડીયાના માધ્યમથી ઉમેદવારોનો પ્રચાર કાર્ય ચાલી રહ્યું છે. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જૂનાગઢનું બાર એસોસિએશન નમુનેદાર બાર એસોસિએશન ગણાય છે અને વિકાસની પ્રક્રિયા પણ સતત રહી છે તેવા બાર એસોસિએશનની ચૂંટણીને લઈને ભારે ગરમાવો વ્યાપી ગયો છે. જૂનાગઢ બાર એસોસિએશનની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાની મુદ્દત પૂર્ણ થતા પ૪ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે. વર્તમાન પ્રમુખ અને સેક્રેટરી વચ્ચે કસોકસી રહેશે. મહિલા ટ્રેઝરરમાં ત્રિપાંખિયો જંગ થશે. એક સપ્તાહ સુધી વકીલ મંડળોની બેઠકનો ધમધમાટ રહેશે.
જૂનાગઢ બાર એસોસીએશનની ૧૯ ડિસેમ્બરે ચૂટણી યોજાશે. બે વર્ષ બાદ યોજાનારી ચૂંટણીને લઈ વકીલ મંડળોમાં ઉત્સાહ છે. ૮ કેટેગરીના મંડળોમાં ઉત્સાહ છે. ૮ કેટેગરીના ર૧ હોદા માટે પ૯ ફોર્મ ભરાયા હતા. ચૂંટણી અધિકારી એ.ડી. જાેશી દ્વારા ફોર્મ ચકાસણી કરવામાં આવી હતી અને ત્યારબાદ પાંચ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા હતા.  ચૂંટણી અધિકારી દ્વારા પ૪ ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરી છે. કુલ બેઠકની સમકક્ષમાં અઢી ગણા વધુ ફોર્મ ભરાયા છે. પ્રમુખ પદ માટે વર્તમાન પ્રમુખ જયદેવભાઈ જાેશી અને પૂર્વ પ્રમુખ તથા સેક્રેટરી ભાવેશભાઈ ઝીંઝુવાડીયા વચ્ચે સ્પર્ધા રહેશે. 
ઉપપ્રમુખ પદ માટે ૬, સેક્રેટરીમાં ૪, જાેઈન્ટ સેક્રેટરીમાં ૭, જનરલ કારોબારીમાં ર૧, ખજાનચીની એક બેઠક માટે મહિલાઓ વચ્ચે ત્રિપાંખીયો જંગ રહેશે. સિનિયર કારોબારીમાં પ અને મહિલા અનામતમાં ૬ સહિત વિવિધ કેટેગરીની ર૧ બેઠકની સરખામણીએ વકીલોએ ઉમેદવારી કરી છે. ૧૯ ડિસેમ્બરના શુક્રવારે મતદાન થશે. જેમાં અંદાજીત ૮૦૦ વકીલો મતદાન કરશે. ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થતા આગામી એક સપ્તાહ સુધી વધુને વધુ મતદારો મેળવવા વકીલ મંડળો વચ્ચે બેઠકોનું 
ધમધમાટ રહેશે.