જૂનાગઢના લિસ્ટેડ બુટલેગર સહિત ૬ વિરૂધ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ
(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.૧ર
જૂનાગઢ શહેર અને જિલ્લાની જાહેર સલામતી, કાયદો અને વ્યવસ્થા જાળવવાના મક્કમ નિર્ધાર સાથે પોલીસે વધુ એક કડક પગલું ભર્યું છે. અગાઉ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થકી સમાજમાં ભય અને તણાવ ફેલાવનાર ટોળકીઓ સામે ગુજસીટોક હેઠળ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી. જૂનાગઢના એક લિસ્ટેડ બૂટલેગર રવિ ભારાઈની આગેવાનીમાં ચાલતી ગેંગ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ફરી એકવાર સંગઠિત ગુનાખોરીની આર્થિક કરોડરજ્જુ તોડવા માટે ગુજસીટોક કાયદાનું શસ્ત્ર ઉગામ્યું છે. ત્યારે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ એક ગેંગ વિરુદ્ધ ગુજસીટોક-૨૦૧૫ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કુણાલ એમ. પટેલ દ્વારા સરકારી ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, આરોપી રવિ હમીરભાઈ ભારાઈ છેલ્લા ઘણા વર્ષોથી પોતાના સાગરીતો સાથે મળીને સંગઠિત ગુના આચરતી ટોળકી ચલાવતો હતો. રવિ હમીરભાઇ ભારાઇ, વિપુલ ઉર્ફે પુંજો ખાંભલા, રાજુ કરમટા રબારી, મના કટારા, રામા ચોપડા અને કિશોર ઉર્ફે કિશલો વાઘેલા દેવીપૂજક વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો છે. આરોપીઓમાંથી ચાર આરોપીઓ પોલીસે ઝડપી પાડ્યા છે અને આ ગુનાનો મુખ્ય આરોપી રવિ હમીર ભારાય અને કિશોર ઉર્ફ કિસલાને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે ફરિયાદ મુજબ આ ગેંગ છેલ્લા દસ વર્ષથી જૂનાગઢ, રાજકોટ ગ્રામ્ય, જામનગર, ગીર સોમનાથ, પોરબંદર, અને વલસાડ જેવા જિલ્લાઓમાં સક્રિય હતી. તેમનો મુખ્ય ગુનો દીવ-દમણ, મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, અને ગોવા જેવા રાજ્યોમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની મોટા જથ્થામાં ગેરકાયદેસર હેરફેર કરવાનો હતો. પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે, આ ટોળકી માત્ર દારૂની હેરફેર પૂરતી સીમિત નહોતી, પરંતુ તેનો મુખ્ય હેતુ મોટા પ્રમાણમાં આર્થિક નફો મેળવવાનો હતો. નાણાંકીય લાભ લેવાના આશયથી આ ગેંગ ટ્રક અને વાહનોના એન્જિન/ચેસીસ નંબર સાથે છેડછાડ કરતી, ખોટા ટ્રાન્સપોર્ટ અને જીએસટી બિલો બનાવીને ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ રાખતી હતી. સંગઠિત ગુનાખોરીમાંથી કમાયેલું આ ગેરકાયદેસર નાણું દેશના અર્થતંત્રને ગંભીર નુકસાન પહોંચાડે છે, કારણ કે તેના પર કોઈ ટેક્સ ભરવામાં આવતો નથી અને તેનાથી કાળા નાણામાં વધારો થાય છે. વધુમાં, આ ગેરકાયદેસર કમાણીમાંથી આ ગેંગે પોતાનું આર્થિક સ્ટેટસ મજબૂત બનાવ્યું હતું અને આ જ નાણાંનો ઉપયોગ અન્ય ગંભીર ગુનાઓ આચરવામાં થતો હતો, જેનાથી પ્રજામાં ભયનો માહોલ ઉત્પન્ન થાય છે અને સામાન્ય પ્રજા તેમની સામે ફરિયાદ કરતા ડરે છે.આ કેસમાં, આરોપીઓએ પ્રોહીબીશન ધારા હેઠળ અસંખ્ય ગુનાઓ આચર્યા હોવા છતાં જામીન મેળવીને પુન: પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ રાખી હતી. તેથી, ક્રાઇમ બ્રાન્ચે આ તમામ આરોપીઓને ‘સંગઠિત ગુના આચરતી ટોળકી‘ના સભ્યો વિરુદ્ધ ગુજસીટોકની કલમો અંતર્ગત ગુનો શીલ પોલીસ મથકે નોંધાવતા વધુ તપાસ તપાસ નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાધલ્યાએ તપાસ હાથ ધરી છે.


