વરસતા વરસાદ વચ્ચે જૂનાગઢવાસીઓ દ્વારા દશેરાની શાનદાર ઉજવણી
શહેરનાં વિવિધ વિસ્તારમાં આવેલા ફાફડા, જલેબી, મીઠાઈનાં દુકાન-સ્ટોલ ઉપર ધૂમ ખરીદી
જૂનાગઢ તા. ર
જૂનાગઢ શહેર-સોરઠ પંથક સહીત સૌરાષ્ટ્રભરમાં દશેરાના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ફાફડા-જલેબી સહીતની મીઠાઈઓની ખરીદી થઈ રહી છે. મીઠાઈ-ફરસાણની વેરાયટીઓ, સ્વીટમાર્ટ ઉપર તડાકો પડી રહયો છે. તહેવારોની ઉજવણીમાં જૂનાગઢ શહેર સૌથી મોખરે હોય છે. પછી સાતમ આઠમનાં તહેવારો હોય કે નવરાત્રી-દીપાવલીનાં આ શહેરની એવી તાસીર છે કે, કોઈપણ તહેવાર હોય તેની ઉજવણી હટકે કરવી, તહેવારોનાં દિવસોમાં અન્ય શહેરોની જેમ જૂનાગઢ વાસીઓ પણ મીઠાઈ અને ફરસાણનાં ખુબજ શોખીન અને ચાહક છે. તહેવારોમાં તો ફાફડા-જલેબી સહીતની મીઠાઈઓની ખુબજ માંગ હોય છે અને લોકો હોંશે-હોશે મોટાપાયે ખરીદી કરતા હોય છે. નવરાત્રીના સમાપન સાથે દશેરાનું પર્વ આજે સર્વત્ર ઉત્સાહભેર ઉજવવામાં આવી રહયું છે. તહેવારોમાં જૂનાગઢનાં ફરસાણ અને મીઠાઈનાં વેપારીઓ અવનવી વેરાયટીઓ બનાવે છે અને મંડપો ઉભા કરી તહેવારોનાં દિવસોમાં ખાસ વેચાણ કેન્દ્રો માટેનાં સ્ટોલ શરૂ કરવામાં આવે છે. આ વર્ષે પણ જૂનાગઢ શહેરનાં વિવિધ વિસ્તારો-મુખ્ય માર્ગો ઉપર આવેલ ફરસાણ-મીઠાઈની દુકાનોએ ફાફડા, જલેબી સહીતની મીઠાઈ, ફરસાણનાં વેચાણ કેન્દ્ર શરૂ કરેલ છે. છેલ્લા ચાર દિવસ થયા વરસાદ હોવા છતાં પણ મીઠાઈ-ફરસાણનાં વેંચાણ કેન્દ્રો શરૂ કરેલ છે તેમજ ફરસાણ-મીઠાઈનાં વેપારીઓ દ્વારા વ્યાજબી ભાવે ઉત્તમ ગુણવત્તાવાળુ ફરસાણ ગ્રાહકોને મળી શકે તેવી સુંદર વ્યવસ્થા ગોઠવી છે.
આજે બજારોમાં ફાફડા, જલેબી, સાટા, મોહનથાળ, લાડુ, ચવાણું તેમજ દુધ, મલાઈની વિવિધ મીઠાઈઓ મળી રહી છે. અને વેચાણ કેન્દ્રો ઉપર ગ્રાહકો ખરીદી કરી રહયા છે. દશેરાના તહેવારની જૂનાગઢ વાસીઓ દ્વારા હટકે ઉજવણી થઈ રહી છે. અને ફરસાણ-મીઠાઈનાં કેન્દ્રો ઉપર ધુમ ખરીદી થઈ રહી છે.


