જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ડિજિટલ હેલ્થને વેગ, આયુષ્માન ભારત ડિજિટલ મિશન અંતર્ગત વર્કશોપ
ABHA કાર્ડથી આરોગ્ય રેકોર્ડ સુરક્ષિત રાખવા અને તબીબ સાથે શેર કરવા અંગે માર્ગદર્શન; ખાનગી હોસ્પિટલોના તબીબો અને IT નિષ્ણાતોને અપાઈ પ્રાયોગિક તાલીમ
જૂનાગઢ, તા.૧૪
આયુષ્માન ભારત ડિજિટલ મિશન અંતર્ગત રાજ્યમાં ડિજિટલ આરોગ્ય વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવાના હેતુથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે તા.૯ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. અલ્પેશ સાલ્વીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ વર્કશોપમાં જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તાર તેમજ તાલુકા કક્ષાની ખાનગી હોસ્પિટલોના તબીબો, વિવિધ તબીબ મંડળોના પ્રમુખો અને હોસ્પિટલોના માહિતી-તકનીકી નિષ્ણાતોએ ભાગ લીધો હતો.
વર્કશોપનો પ્રારંભ તબીબી અધિકારી ડૉ. દિગ્નેશ વાછાણી દ્વારા રાજ્યકક્ષાએથી આવેલા તાલીમકારો અને તાલીમાર્થીઓના સ્વાગત સાથે કરવામાં આવ્યો હતો. રાજ્યકક્ષાના તાલીમકાર જસ્મિન પંચાલે ABHA કાર્ડ અને ડિજિટલ હેલ્થ વ્યવસ્થા અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું.
તાલીમ દરમિયાન ABHA કાર્ડના માધ્યમથી દર્દીના આરોગ્ય સંબંધિત રેકોર્ડને ડિજિટલ સ્વરૂપે સુરક્ષિત રીતે જાળવવા તેમજ જરૂરિયાત અનુસાર તબીબ સાથે સરળતાથી શેર કરવાની પ્રક્રિયા અંગે સમજ આપવામાં આવી હતી. ડિજિટલ ટેક્નોલોજીના ઉપયોગથી દર્દી અને આરોગ્ય સંસ્થાઓ વચ્ચેની પ્રક્રિયાને વધુ સરળ બનાવવાના વિવિધ પાસાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રસંગે આરોગ્ય વિભાગના અધિકારી ડૉ. પ્રકાશ સુથાર ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. તેમણે ડિજિટલ આરોગ્ય વ્યવસ્થાના મહત્વ અંગે માર્ગદર્શન આપી વધુમાં વધુ તબીબો અને આરોગ્યકર્મીઓને આયુષ્માન ભારત ડિજિટલ મિશન સાથે જોડાવા અપીલ કરી હતી.
વર્કશોપમાં દર્દીના આરોગ્ય રેકોર્ડને હોસ્પિટલ સાથે જોડવાની પ્રક્રિયા, રેકોર્ડની સુરક્ષા, હોસ્પિટલ અને તબીબોની ઓનલાઈન નોંધણી સહિતની કામગીરી અંગે પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી. આ ઉપરાંત મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી દર્દી માટે નંબર મેળવવાની વ્યવસ્થા અને ડિજિટલ દવાપત્ર તૈયાર કરવાની પ્રક્રિયા પણ સમજાવવામાં આવી હતી.
અંતમાં ડૉ. મેહુલ પટેલે જૂનાગઢ જિલ્લામાં આયુષ્માન ભારત ડિજિટલ મિશનની અમલવારી, તેના મહત્વ અને અમલીકરણ દરમિયાન સામે આવતા પડકારો અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા અને મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીઓ, તાલુકા આરોગ્ય અધિકારીઓ, આયુષ્માન ભારત યોજનાના કર્મચારીઓ તેમજ અન્ય આરોગ્યકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.



