વેરાવળમાં યુવકની હત્યા કરનાર આરોપી ઝડપાયો
ગીર સોમનાથ તા.૨૯
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં યુવકની હત્યાના ગંભીર ગુનામાં વેરાવળ સીટી પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપી મુકેશ વાઘોલીયાને ઝડપી પાડ્યો છે. ભાલકા ચોકી વિસ્તારના બંદર રોડ પર પદમાણી આઇસ ફેક્ટરી સામે બે યુવકો વચ્ચે થયેલા ઝઘડામાં સુરેશ ઉર્ફે સુરીયાને જીવલેણ ઇજાઓ પહોંચતાં તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે જાણ થતા જ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી શંકાસ્પદ આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો.
વેરાવળ સીટી પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ગઢવીને અંગત બાતમીદાર પાસેથી ભાલકા બંદર રોડ પર ઝઘડો થયાની માહિતી મળી હતી. પોલીસે સર્વેલન્સ ટીમ સાથે ઘટનાસ્થળે તપાસ કરતાં છૂટાછવાયા લોહીના નિશાન મળી આવ્યા હતા. ત્યારબાદ ભાલકા ગામની ઓમનાથ સોસાયટીમાં રહેતા મુકેશ વાઘોલીયાને અટકાયતમાં લઈ પૂછપરછ હાથ ધરવામાં આવતાં તેણે સુરેશને જીવલેણ ઇજાઓ પહોંચાડ્યાની હકીકત કબૂલી લીધી હતી.
મૃતકના પરિવારજનો અંતિમવિધિ માટે મૃતદેહને વિસાવદર લઈ ગયા હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. પોલીસે પરિવારજનોનો સંપર્ક કરી મૃતદેહની સ્થિતિ યથાવત્ રાખવા સમજાવ્યા હતા. ત્યારબાદ પો.સ.ઈ. કે.એમ. ચાવડા અને એ.એસ.આઈ. ચંદુભાઈ ચુડાસમા સહિતની ટીમ વિસાવદર પહોંચી હતી અને મૃતદેહનું સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવવાની કાયદેસરની તજવીજ હાથ ધરી હતી.
મૃતકના કાકા કિશોરભાઈ બામરોલીયાની ફરિયાદના આધારે વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૧૦૩(૧) મુજબ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપી મુકેશ વાઘોલીયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સમગ્ર બનાવ અંગે વધુ સઘન તપાસ શરૂ કરી છે. વેરાવળ સીટી પોલીસની સતર્કતાના કારણે ગંભીર ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે.


