શ્રાદ્ધનો મહિમા

શ્રાદ્ધનો મહિમા
HINDUSTAN TIMES

જ્યોતિષશાસ્ત્રના નિયમ પ્રમાણે જ્યારે ભગવાન સૂર્યનારાયણ કન્યા રાશિમાં આવે છે ત્યારે પિતૃ લોક પૃથ્વીલોકની સૌથી વધારે નજીક આવે છે. શ્રાદ્ધનો અર્થ પૂર્વજાે પ્રત્યે શ્રદ્ધા ભાવ વ્યક્ત કરવાનો છે. જે મનુષ્ય સદગત સ્વજન ની તિથિ ના દિવસે પોતાની શક્તિ અને સામર્થ્ય પ્રમાણે ફળફૂલ, અન્ન, મિષ્ટાન વગેરેથી બ્રાહ્મણને ભોજન કરાવે, ગાય, શ્વાન, કાગડા અને કીડીઓને ખવડાવે તેના પર પિતૃ દેવતાઓ પ્રસન્ન થઈ આર્શીવાદ આપીને જાય છે. પિતૃઓને ઉદેશીને બે તિથિઓ શ્રાદ્ધ કરવામાં આવે છે જેમાં પ્રથમ તેમની મૃત્યુતિથિએ તથા બીજું શ્રાદ્ધ પક્ષમાં જે દિવસે તેમનું નિધન થયું હોય તે તિથિના દિવસે. ધર્મગ્રંથો અનુસાર ભાદરવા વદમાં શ્રાદ્ધ પક્ષના ૧૬ દિવસોમાં લોકો પોતાના પિતૃ દેવતાને સંતુષ્ટ કરવા શ્રાદ્ધ કરે છે. એવી માન્યતા છે કે શ્રાદ્ધ દ્વારા પિતૃઓનું ઋણ ઉતારી શકાય છે. વર્ષના કોઈપણ માસ અને તિથિમાં સ્વર્ગસ્થ થયેલ ને ઉદેશીને ભાદરવા કૃષ્ણ પક્ષમાં કે જેને પિતૃ પક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે તેમાં તિથિ પ્રમાણે શ્રાદ્ધ કરી શકાય છે. પિતૃ પક્ષમાં શ્રાદ્ધ કરવાથી પિતૃગણ વર્ષભર પ્રસન્ન રહે છે. ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ જાેવા મળે છે કે આ શ્રાદ્ધાદિક ક્રિયાઓ કરનાર ગૃહસ્થ દીર્ઘાયુ, પુત્ર -પૌત્રાદી, સ્વર્ગ, બળ, લક્ષ્મી, યશ, પુષ્ટિ, પશુ, એશ્વર્ય, સુખ- સાધન અને ધન-ધાન્ય વગેરે પ્રાપ્ત કરે છે. શ્રાદ્ધમાં પિતૃઓને અપેક્ષા રહે છે કે અમારા ઉત્તરાધિકારીઓ અમને શ્રાદ્ધ દ્વારા સંતુષ્ટ કરશે. એ આશાએ તેઓ પિતૃલોક થી પૃથ્વીલોક પર આવે છે. આજ મુખ્ય કારણ છે કે સનાતન ધર્મ શાસ્ત્રોમાં પ્રત્યેક સનાતની ગ્રહસ્થને પિતૃપક્ષ માં શ્રાદ્ધ કરવાની આજ્ઞા આપવામાં આવી છે. શ્રાદ્ધ એ પિતૃ ઋણમાંથી મુક્તિ મેળવવાનું માધ્યમ છે. શ્રાધ પિતૃઓની સંતુષ્ટી માટે કરવું અત્યંત આવશ્યક છે. મહર્ષિ સુમંતુ ના કહેવા પ્રમાણે શ્રાદ્ધ કરનારનું સર્વાંગી કલ્યાણ થાય છે. માર્કેડ્ય પુરા અનુસાર શ્રાદ્ધથી સંતુષ્ટ થઈને પિતૃઓ શ્રાદ્ધ કરતા અને તેના પરિવારને દીર્ઘાયુ, ધન, સંપત્તિ, ઐશ્વર્ય, વિદ્યા, બળ આપે છે અને મરણોપરાંત સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. અત્રિ સંહિતા માં કહેલું છે કે, શ્રાદ્ધ કરનારનું સદાય કલ્યાણ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જાે શ્રાદ્ધ કરવામાં ના આવે તો પિતૃ દેવતાઓ ખૂબ જ દુ:ખી અને વ્યથિત થાય છે. બ્રહ્મ પુરાણમાં એમ કહેલું છે કે, જે ગ્રહસ્થ દ્વારા પિતૃને ઉદેશીને શ્રાદ્ધ કરવામાં આવતું નથી, તેને પિતૃઓ શાપ આપી તેને કષ્ટ આપે છે. જેના કારણે તે વંશહીન, જીવનભર કષ્ટ ભોગવનાર, સદાય બીમારીથી યુક્ત રહે છે.
શ્રાદ્ધ - સરિતા - દેવેન કનકચન્દ્ર વ્યાસ