ભાણવડમાં ગૌ - સેવાનો પ્રેરણાદાયી અભિગમ મલિક વિહોણા ગૌવંશ અને બળદને તરબૂચનું જમણ
સેવાભાવી હર્ષદભાઈ બેરાનો અનોખો સેવાયજ્ઞ
(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા તા.ર૪
હાલ ઉનાળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને સૂર્યનારાયણ આકરા પાણીએ છે. ત્યારે ભાણવડના અબોલ જીવો માટે સેવા અને સંવેદનાનો ત્રિવેણી સંગમ રચાયો હતો. અહીંના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના પુત્ર હર્ષદભાઈ બેરા દ્વારા એક પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે. ભાણવડ સ્થિત શિવ બળદ આશ્રમ ખાતે આસરો લઈ રહેલા તમામ બળદો તેમજ શહેરના માર્ગો પર વિહરતા માલિક વિહોણા તમામ ગૌવંશને ગરમીથી રાહત આપવા માટે તેમણે ૫૮૦૦ કિલો તરબૂચ ખવડાવવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, હર્ષદભાઈ બેરા હંમેશા ગૌ-સેવા હોય કે અન્ય સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓમાં સતત અગ્રેસર રહીને નિ:સ્વાર્થ ભાવે પોતાની ફરજ બજાવતા આવ્યા છે. તેમની આ સેવાકીય રૂચિ અને સક્રિયતાને કારણે પંથકમાં તેઓ લોકપ્રિયતા ધરાવે છે. એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોના ખંતપૂર્વકના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં તમામ ગૌવંશને ભરપેટ તરબૂચનું ભોજન કરાવીને ઉનાળાની લૂ અને ગરમી સામે રક્ષણ આપવાનો પ્રયાસ કરાયો હતો. આ સેવાકીય પ્રવૃત્તિમાં ધારાસભ્ય મુળુભાઈ બેરા, ભાણવડ પી.આઈ. ચેતન દેસાઈ, હર્ષદભાઈ બેરા, સંદીપભાઈ બેરા, શહેર પ્રમુખ, નગરપાલિકાના ઉપપ્રમુખ, નગરપાલિકા સદસ્યો તેમજ શિવ બળદ આશ્રમના તમામ સભ્યો જોડાયા હતા. ઉપસ્થિત તમામ મહાનુભાવોએ પોતાના હાથે ગૌવંશને તરબૂચ ખવડાવીને પુણ્યનું ભાથું બાંધ્યું હતું. આ પ્રસંગે હર્ષદભાઈ બેરાએ જણાવ્યું હતું કે, "ઉનાળાની કાળઝાળ ગરમીમાં મનુષ્યો તો પોતાની વ્યવસ્થા કરી લે છે, પરંતુ આ અબોલ જીવોની વેદના સમજવી એ આપણી નૈતિક ફરજ છે. ગૌમાતા અને બળદોની સેવા એ જ ઈશ્વરની સાચી પૂજા છે."


