આજે સવારથી સૌરાષ્ટ્રમાં મેઘરાજાની સટાસટી સુરેન્દ્રનગર-મોરબી જીલ્લામાં બે કલાકમાં બે ઈંચ વરસાદ
(બ્યુરો) રાજકોટ, તા.૧
ગુજરાતના કેટલાક ભાગોને ધમરોળ્યા બાદ આજે સવારથી સૌરાષ્ટ્રમાં વરસાદી જોર જોવા મળ્યું હતું. સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, અમરેલી, બોટાદ, મોરબી જિલ્લાઓમાં વ્યાપક વરસાદ નોંધાયો છે. તે સાથે સૌરાષ્ટ્રમાં સિઝનના કુલ વરસાદનો આંકડો ૫૦ ટકાએ પહોંચી ગયાના નિર્દેશ છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના રીપોર્ટ પ્રમાણે આજે સવારથી પણ મોટાભાગના જિલ્લાઓમાં વાદળોની જમાવટ સાથે વરસાદી દોર ચાલુ રહ્યો છે. આજે સવારે ૬ થી ૮ના બે કલાકમાં સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં બે કલાકમાં બે ઈંચ વરસાદ નોંધાયો છે.
ચુડામાં બે કલાકમાં સાડા ત્રણ ઇંચ ખાબક્તા નીચાણવાળા ભાગો જળબંબાકાર બન્યા હતા. વઢવાણમાં બે કલાકમાં ૨.૫૬ ઇંચ નોંધાયો હતો. ટંકારામાં ૧.૪૬ ઇંચ, મુળ-લીમડી તથા લખતરમાં એક-એક ઇંચ પાણી વરસ્યું હતું.


