ગુજરાતમાં સાર્વત્રીક મેઘ મહેર : ર૮પ તાલુકામાં વરસાદ સુરતના અંબીકામાં ર૪ કલાકમાં ર૪ ઈંચ ખાબક્યો
(બ્યુરો) રાજકોટ, તા.૧
ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસ્યા હોય તેમ છેલ્લા ર૪ કલાકમાં સાવર્ત્રિક હળવોથી અતિભારે વરસાદ નોંધાયો હતો. રાજ્યના ૨૫૫ તાલુકામાં ઝાપટાથી માંડીને ૨૪ ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો. સાવર્ત્રિક વરસાદ વચ્ચે દક્ષિણ-મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં હજારો લોકોનું સ્થળાંતર કરવા ઉપરાંત ૫૦થી વધુ લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં શાળા-કોલેજોમાં રજા સાથે તંત્ર એલર્ટ બન્યું હતું.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના રીપોર્ટ પ્રમાણે રાજ્યના ૨૬૮માંથી ૨૫૫ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ૨૪.પ ઇંચ (૬૧૧ મીમી), સુરતના અંબિકામાં વરસ્યો હતો. છેલ્લા ૨૪ કલાકમાં મેઘરાજાએ માત્ર બે કલાકનો વિરામ લીધો હતો અને બાકીના ૨૨ કલાક વરસાદ વરસાવ્યો હતો. ચોવીસ કલાકમાં ૨૪ ઇંચ પાણી વરસ્યું હતું. સમગ્ર પંથક જળબંબાકાર બન્યો હતો અને સેંકડો લોકોનું સ્થળાંતર કરાવાયું હતું.
આ સિવાય ડોલવાનમાં ૧૬.૭૩ ઇંચ, ખેડાના વસોમાં ૧૬.૩૮ ઇંચ, નવસારીના વાંસદામાં ૧૬.૨૬, સુરતના ઉમરપાડામાં ૧૪.૬૮ ઇંચ, નડિયાદમાં ૧૩.૪૩ ઇંચ, ડાંગના વધઇમાં ૧૧ ઇંચ, સુરતના માંગરોળમાં ૧૦.૭૧ ઇંચ, આણંદમાં ૧૦.૬૭ ઇંચ, સુબીરમાં ૧૦.૨૪ ઇંચ અને ખંભાતમાં ૧૦.૧૬ ઇંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યના ૧૩ તાલુકામાં ૧૦ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. ૬૨ તાલુકામાં પાંચ ઇંચથી વધુ હતો.


