પુખ્ત મહિલાને તેની ઇચ્છા વિરૂદ્ધ શેલ્ટર હોમમાં રાખી શકાય નહીં : હાઇકોર્ટનો ચુકાદો
અમદાવાદ, તા.૧
ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ એન.એસ. સંજય ગૌડા અને જસ્ટિસ ઉત્કર્ષ દેસાઇની ખંડપીઠે એક હુકમ કરીને અવલોકન કર્યું હતું કે, મેજિસ્ટ્રેટ પુખ્ત મહિલાને તેની ઇચ્છા વિરૂદ્ધ શેલ્ટર હોમમાં એટલે કે સરકારી આશ્રય ગૃહમાં રાખવા માટેનો હુકમ કરી શકે નહી. આવો હુકમ મહિલાના મૂળભુત અને બંધારણીય અધિકારના ઉલ્લંઘન સમાન કહેવાય. જ્યારે એક વખત મહિલા આશ્રય ગૃહ છોડવાની માંગણી કરે તો, પછી મેજિસ્ટ્રેટ તે મહિલાને મુકત કરવા માટે બંધાયેલા છે. કેસની વિગતો મુજબ અરજદાર મહિલાની તેની ઉપર થયેલી દુષ્કર્મ અંગે ફરિયાદ કરવમાં આવતાં તેના આધારે એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. ફરિયાદી પીડિતા મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થઇ અને તેમને જાણ કરી કે, તેનો કોઇ પરિવાર નથી અને ત્યાં તે જવા માંગતી નથી. તે તેના માતાપિતાના ઘેર પણ જવા ઇચ્છતી નથી. રાત્રે આઠ વાગ્યે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવતાં મેજિસ્ટ્રેટે તેને તા.૩૦-૩-૨૦૨૫ના રોજ આશ્રય ગૃહમાં મોકલી આપવા હુકમ કર્યો હતો. જાે કે, બાદમાં પીડિતાએ મેજિસ્ટ્રેટ સમક્ષ અરજી કરી વિનંતી કરી કે, તેણીને મુકત કરવામાં આવે. જાે કે, મેજિસ્ટ્રેટે તેની આ વિનંતી ફગાવી દીધી હતી. આથી પીડિતાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. પીડિતા મહિલાની અરજીમાં હાઇકોર્ટે આ ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું કે, મેજિસ્ટ્રેટને કોઇપણ મહિલાને આશ્રય ગૃહમાં મોકલી તેની સલામતી અને સુરક્ષાનું રક્ષણ કરવાનો આદેશ આપવાની સત્તા છે. જાે કે, મહિલાને આશ્રય ગૃહમાં રાખવાનો આ આદેશ અનિશ્ચિત સમય માટે હોઇ શકે નહીં અને ખાસ કરીને તેની ઇચ્છા વિરૂદ્ધ તો હોઇ શકે જ નહીં, એક વખત જેને આશ્રય ગૃહમાં રાખવાનો હુકમ કરવામાં આવ્યો હોય તે વ્યકિત પોતાને ત્યાંથી મુકત કરવાની વિનંતી કરે તો મેજિસ્ટ્રેટ મહિલાને મુકત કરવા માટે બંધાયેલા હોય છે. ખાસ કરીને ત્યારે કે, જ્યારે મહિલા પુખ્ત હોય અને તે આશ્રય ગૃહમાં રહેવાનો ઇન્કાર કરતી હોય. હાઇકોર્ટે વધુમાં જણાવ્યું કે, પ્રસ્તુત કેસમાં મેજિસ્ટ્રેટ દ્વારા કરાયેલા અવલોકન પણ અયોગ્ય છે, કારણ કે, પીડિતાને એટલા માટે આશ્રય ગૃહમાં મોકલવામાં આવી હતી કે, તેની પાસે જવા માટે બીજી કોઇ જગ્યા ન હતી. મેજિસ્ટ્રેટનો આવો હુકમ અયોગ્ય છે કારણ કે, કોઇપણ નાગરિકને તેની ઇચ્છા વિરૂદ્ધ આશ્રય ગૃહમાં રાખી શકાય નહી. મેજિસ્ટ્રેટનો આશ્રય ગૃહમાંથી બહાર નીકળવાની પરવાનગી નહીં આપવાનો હુકમ પીડિતાના પોતાની પસંદગીનું જીવન જીવવાના મૂળભુત અને બંધારણીય અધિકારના ભંગ સમાન કહી શકાય. હાઇકોર્ટે અરજદાર પીડિતાને આશ્રય ગૃહમાંથી તાત્કાલિક મુકત કરવાનો હુકમ કર્યો હતો. હાઇકોર્ટે જણાવ્યું કે, અરજદાર સ્વતંત્ર છે અને તે પોતાનો સામાન આશ્રય ગૃહમાંથી લઇ જયાં જવું હોય ત્યાં જઇ શકવા મુકત છે. હાઇકોર્ટે ચુકાદામાં એમ પણ સ્પષ્ટ કર્યું કે, મેજિસ્ટ્રેટ સમક્ષ દુષ્કર્મની ફરિયાદ નોંધાવનારી મહિલાને સલામતી માટે આદેશ પસાર કરવાની અને પીડિતાએ પોતાના ઘેર પાછા જવાનો ઇન્કાર કર્યો હોય તે પછી તેને આશ્રય ગૃહમાં મોકલવાની મેજિસ્ટ્રેટને સત્તા છે પરંતુ તેની ઇચ્છા વિરૂદ્ધ તેને અનિશ્ચિત સમય સુધી તેને ત્યાં રાખી શકાતી નથી.


