દેશભરમાં ગણેશ ઉત્સવની ધુમ : મુંબઈના લાલ બાગચા રાજાના દર્શન માટે શ્રધ્ધાળુઓનું ઘોડાપુર ઉમટયું
(એજન્સી) મુંબઈ તા.૧૪
દેશભરમાં ગણેશ મહોત્સવ શરૂ થઈ ગયો છે. આ વર્ષે મુંબઈના પ્રસિદ્ધ લાલબાગના રાજાનો પંડાલ અને બાપ્પાનું સ્વરૂપ મહાદેવ (શિવ)ની થીમ પર આધારિત છે, જેના કેન્દ્રમાં એક વિશાળ ત્રિશૂળ પણ શણગારવામાં આવ્યું છે. મંડળ અનુસાર આ તેનો ૯૩મો ગણેશોત્સવ છે. લાલબાગચા રાજાના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડયું છે. મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્ર અને દેશભરમાં ગણેશોત્સવ મનાવવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. ઇન્દોરના તિલક નગરમાં ૩ ટન માટીમાંથી ૧૪ ફૂટ ઊંચી ગણેશ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. પ્રતિમા અને આખા પંડાલને પ્રકૃતિ-પશુ કલ્યાણનો સંદેશ આપવાના રૂપમાં શણગારવામાં આવ્યો છે.
જયપુરના મોતી ડુંગરી ગણેશ મંદિરમાં સિંજારા મહોત્સવ અને જન્મોત્સવ પર વિશેષ દર્શન વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં શ્રદ્ધાળુઓ સવારે ૫ વાગ્યાથી રાત્રે ૧૧:૪૦ વાગ્યા સુધી દર્શન કરી શકશે.


