ગુજરાતના ૧૭ર તાલુકાઓમાં મેઘમહેર : ખેડુતો ખુશખુશાલ : બોરસદમાં બે કલાકમાં દેધનાધન ...૪ ઈંચ વરસાદ, ગોધરામાં ૩.પ ઈંચ
રાજયના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનો બીજાે રાઉન્ડ શરૂ : મુરજાતી મોલાતને જીવતદાન
(બ્યુરો) અમદાવાદ તા.૧૪
સમગ્ર રાજયમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી પધરામણી કરી છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી દોર રહ્યો છે. સિઝનના પ્રથમ સવા ત્રણ માસમાં કોરા જેવા રહેલા ભાગોમાં પણ વરસાદી માહોલ સર્જાયો છે જેને પગલે સુકાવા લાગેલા કૃષિપાક માટે નવી આશા બંધાઇ છે. ખેતી ઉત્પાદનનું ચિત્ર સુધરવાનો આશાવાદ ઉભો થયો છે. સાથોસાથ જળાશયોમાં પણ નવા નીરને પગલે પાણીની સ્થિતિ સુધરવાનો પણ આશાવાદ છે.
કૃષિ ક્ષેત્રના નિષ્ણાંતોના કહેવા પ્રમાણે વરસાદનો વર્તમાન રાઉન્ડ કૃષિક્ષેત્ર માટે જીવતદાન સમાન બની રહે તેમ છે. રાજ્યમાં છેલ્લા એક-સવા મહિનાથી સાવર્ત્રિક વરસાદ નહતો અને સિંચાઇની સુવિધા ન હોય તેવા વિસ્તારોમાં પાક સુકાવા લાગ્યો હતો. પરંતુ રાજયના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનો બીજાે રાઉન્ડ શરૂ થતા મુરજાતી મોલાતોને જીવતદાન મળી ગયું છે. સ્ટેટ કન્ટ્રોલ રૂમના જણાવ્યા મુજબ આજે સવારના ૬ થી બપોરના ૧ર વાગ્યા સુધીમાં
રાજયના ૧૭ર તાલુકાઓમાં મેઘમહેર થઈ છે. જેમાં આણંદ જીલ્લાના બોરસદમાં સૌથી વધુ બે કલાકમાં ૪ ઈંચ વરસાદ ખાબકયો છે. જયારે ગોધરામાં ૩.પ ઈંચ વરસાદ ખાબક્યો છે. ભાવનગર જીલ્લાના મહુવામાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો હોવાના અહેવાલો છે.


