‘ગણપતિ બાપા મોરીયા, ઘીના લાડુ ચોરીયા’નાં જયઘોષ સાથે... જૂનાગઢમાં વિધ્નહર્તા દેવ ગણપતિદેવનાં વધામણાં વાજતે ગાજતે ભાવભેર સામૈયા થયા

શહેરમાં ૪પ૦થી વધારે પંડાલોમાં ભગવાન ગણેશજીનું સ્થાપન, પૂજન-અર્ચન સહીતનાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા : લોકોમાં અનેરો ઉત્સાહ

‘ગણપતિ બાપા મોરીયા, ઘીના લાડુ ચોરીયા’નાં જયઘોષ સાથે... જૂનાગઢમાં વિધ્નહર્તા દેવ ગણપતિદેવનાં વધામણાં વાજતે ગાજતે ભાવભેર સામૈયા થયા

જૂનાગઢ તા. ૧૪
જૂનાગઢ સહીત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં આજે વિધ્નહર્તા દેવ, દુંદાળા દેવનાં વધામણા કરવામાં આવી રહયા છે. આજે ઠેર ઠેર ગણપતિ ઉત્સવનાં કાર્યક્રમોનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગામો અને શહેરોમાં ભકિતભાવભર્યો માહોલ સર્જાયો હતો. આજથી  શરૂ થતા ગણપતિ ઉત્સવ સતત ૧ર દિવસ સુધી ચાલુ રહેશે. એક દિવસ, બે દિવસ, પાંચ દિવસ, સાત દિવસ, નવ દિવસ, અગીયાર દિવસ સહીત પધરામણી થતી હોય છે. અને સૌરાષ્ટ્રમાં ભગવાન ગણેશજીની ભકિતમાં ભાવિકો લીન્ન બન્યા છે.
જૂનાગઢ શહેરમાં આજે શુભ ચોઘડીયે વહેલી સવારથી જ રસ્તા ઉપર ભગવાન ગણેશજીની વાજતે ગાજતે પધરામણી સાથે જે તે વિસ્તારોમાં ભાવિકોએ ઉત્સાહભેર ગણેશજીનું સ્થાપન કર્યુ હતું. મોટા મંડપ, ડોમ ઉભા કરી અને પંડાલો બનાવવામાં આવ્યા હતાં. શણગારેલા મંડપમાં વિધિવત રીતે શાસ્ત્રોકતવિધિ સાથે ભગવાન ગણેશજીનું સ્થાપન કર્યા બાદ પૂજન આરતી અને અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. અંદાજીત ૪પ૦થી વધુ પંડાલોમાં ગણેશજીનું સ્થાપન થયું છે. વાજતે ગાજતે દુંદાળા દેવની સ્થાપના કરવામાં આવી હતી. અને અબીલ ગુલાલની છોડ સાથે રાસ ગરબાની રમઝટ દ્વારા શહેરી મહોલાઓમાં આલા રે આલા.. ગણપતિ આલા.. ગણપતિ બાપા મોરીયા.. નો નાદ ગુંજી ઉઠયો હતો. સતત ૧૦ દિવસ સુધી ભજન, ધુન, રાસ ગરબા, બ્લડ ડોનેશન, સુંદરકાંડ, ગણપતિ પાઠ સહીતનાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.