આસ્થા સન્માન સાથે પર્યાવરણ સંરક્ષણ અને જળચર જીવસૃષ્ટીને આહાર : વેરાવળમાં ભાખરવડીના ગણપતિ
(પ્રતિનિધી દ્વારા)
પ્ર.પાટણ તા.૧૪
ગીર સોમનાથ જીલ્લાનું વેરાવળ સતીમા યુવક ગ્રુપ-સતીમા મંદિર પાસે શારદા સોસાયટી, ૮૦ ફુડ રોડ પ્રતિવર્ષ ગણેશ ચતુર્થીના દિવસે વિવિધ પર્યાવરણ રક્ષક થીમ આધારીત ગણપતિની પ્રતિમા નિર્માણ કરી જાહેર સ્થળે બિરાજમાન કરવામાં આવે છે.
જેમાં પ્રકૃતિનું રક્ષણ થાય અને ભાવિકોને ઈકો ફ્રેન્ડલી ગણપતિ સ્થાપન કરવા માટે પ્રોત્સાહન મળે તે માટે છેલ્લા ૧૭ વર્ષથી અલગ અલગ થીમ આધારીત ગણપતિનું સ્થાપન કરવામાં આવે છે.
સતીમા યુવક મંડળના સતીષ માધવજી સીંધવા કહે છે કે આ વર્ષે અમે ભાખરવડીના ગણપતિ બનાવેલ છે. જેની ઉંચાઈ ચારથી સાડા ચાર ફુટ અને પહોળાઈ અઢી ફુટ છે. જે ગણપતિ માટી અને થર્મોકોલથી બનાવેલ છે. જેના ઉપર અંદાજે ૩૭ કિલો ભાખરવડી લગાડેલ છે. મુર્તી બનાવતા ત્રણથી ચાર દિવસ લાગ્યા છે. જે મુર્તી તા.૧૪ ગણેશ ચતુર્થીથી જાહેર ચકલમાં બીરાજમાન કરાવવામાં આવશે. અને ત્યાં પુજા, પાઠ, સવાર સાંજ આરતી અને ધુન પ્રાર્થના સહિતના કાર્યક્રમો પાંચ દિવસ ચાલશે ત્યાર બાદ તે મુર્તીનું દરીયામાં વિસર્જન કરવામાં આવશે. આ ઈકોફ્રેન્ડલી મુર્તી દરીયામાં વિસર્જન થતાં તેનું પ્રદુષણ ફેલાતું નથી માટી સાથે માટી મળી જાય છે અને ભાખરવડી ખાદ્ય પદાર્થ જળજીવ સૃષ્ટીને આહાર મળી રહે છે.
આ અગાઉ ચોકલેટ, ડ્રાયફ્રુટ, બિસ્કીટ, કેડબરી, ધ્રોના માવાના, ટોપરા પાકના, ખજુર પાકના, લોલીપોપના ગણપતિ અમોને બનાવેલ છે. ગણપતિ બાપા બનાવવા માટે સતીમા યુવક મંડળના ર૦થી રર યુવાનો તથા સતીષ સીંધવા, કલ્પેશ ડોલરીયા, મનીષ ચુડાસમા, અશોક સવલાણી, દિલીપ મહેતા, દિપુ વાઘેલા સહિતનાઓ મહેનત કરી પર્યાવરણ જતનની આ રાષ્ટ્રસેવા બજાવે. ગણપતિ દાદાને અલંકારથી પણ શણગારવામાં આવે છે અને સમગ્ર મંડળ ધજા, પતાકા, તોરણોથી શણગારી ભક્તિમય વાતાવરણ અનુભુતી મેળવાય છે.


