ગુજરાત હાઈકોર્ટ સહિત વિવિધ શહેરોની અદાલતોને RDXથી ફુંકી મારવાની ધમકી

અમદાવાદ, સુરત, રાજકોટ, આણંદ અને ભરૂચની નીચલી અદાલતોને વિસ્ફોટકોથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈ-મેઈલ મળતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ

ગુજરાત હાઈકોર્ટ સહિત વિવિધ શહેરોની અદાલતોને RDXથી ફુંકી મારવાની ધમકી

(બ્યુરો)         અમદાવાદ તા.૦૬

આજે ગુજરાત હાઇકોર્ટ તથા રાજ્યના વિવિધ શહેરોની લોઅર કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેમાં સુરત,આણંદ, રાજકોટ, અમદાવાદ અને ભરૂચની કોર્ટને RDXથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકી LTTE (લિબરેશન ટાઇગર ઓફ તમિલ ઇલમ) દ્વારા આપવામાં આવી છે. તેમજ તમામને એક જ પેટર્નથી આ ધમકીઓ આપી છે. સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને મોડી રાત્રે ૨ વાગ્યે અંગ્રેજીમાં મેઈલ કરી RDXથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની વિગત એવી છે કે, કોર્ટના ઓફિશિયલ મેઈલ આઈડી પર વહેલી સવારે એક ધમકીભર્યો સંદેશો આવ્યો હતો. જ્યારે કોર્ટના કર્મચારીઓએ સવારે ફરજ પર આવીને આ મેઈલ તપાસ્યો, ત્યારે તેમાં કોર્ટ બિલ્ડિંગને વિસ્ફોટકોથી ઉડાવી દેવાની ગંભીર ચેતવણી લખેલી હતી, જેનાથી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

અમદાવાદ ગ્રામ્ય કોર્ટ બાદ આજે એટલે કે ૨૪ કલાકની અંદર વધુ એક કોર્ટને ધમકી મળી છે. અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના રજિસ્ટ્રી વિભાગને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. આ ધમકીને પગલે કોર્ટ કાર્યવાહી કરાઈ સ્થગિત કરવામાં આવી છે. તેમજ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સહિતની ટીમો કોર્ટમાં તપાસ કરી છે.