મનપાનાં ઢોર પકડવાનાં પોકળ દાવા વચ્ચે જૂનાગઢ શહેરનાં માર્ગો બન્યા રખડતા ઢોરનું આશ્રય સ્થાન

શહેરનાં મુખ્ય ચોક, રસ્તાઓ ઉપર રેઢિયાળ પશુઓનાં અડીંગા : લોકોને ભારે મુશ્કેલી : મનપા તંત્ર ઘોર નિંદ્રામાં

મનપાનાં ઢોર પકડવાનાં પોકળ દાવા વચ્ચે જૂનાગઢ શહેરનાં માર્ગો બન્યા રખડતા ઢોરનું આશ્રય સ્થાન

જૂનાગઢ તા. ૮
જૂનાગઢ શહેરમાં રખડતા ઢોરની સમસ્યા સતત વકરી રહી છે. જાહેર રસ્તા ઉપર ટોળા જમાવીને બેઠેલા રખડતા ઢોરને કારણે લોકોને ત્યાંથી પસાર થવું મુશ્કેલ બને છે. જાે સાવધાની પૂર્વક પસાર થવામાં ન આવે તો ગમે ત્યારે રખડતા ઢોરની હડફેટે આવી જાય અને અકસ્માતનો ભોગ બને છે.
શહેરનાં વિવિધ વિસ્તારોનાં માર્ગો સર્કલો પાસે રખડતા ઢોરનાં જમેલા જાેવા મળે છે. પરંતુ જૂનાગઢ મનપાનું તંત્ર આ સામે કોઈ કાર્યવાહી કરતું ન હોવાની વ્યાપક ફરીયાદો રહેલી છે. મનપાનાં ઢોર પકડવાનાં દાવા પોકળ સાબિત થયા છે. અને રખડતા ઢોરની સમસ્યાએ માઝા મુકી છે. ત્યારે તંત્ર દ્વારા આ અંગે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.
જૂનાગઢ શહેરમાં રખડતા ઢોરની સમસ્યા લાંબા સમયથી રહેલી છે. દરમ્યાન ચોમાસામાં ઢોરની સમસ્યા વધુ વકરી છે. શહેરનાં વિવિધ વિસ્તારોનાં માર્ગો, સર્કલો પાસે ટોળામાં અડીંગો જમાવીને બેઠેલા રખડતા ઢોર ત્યાંથી પસાર થતાં રાહદારીઓ વાહન ચાલકોને માટે ખતરારૂપ બન્યા છે. જૂનાગઢ શહેરમાં મોટાભાગનાં સર્કલ અને વ્યસ્ત રસ્તાઓ પર મોટી સંખ્યામાં ઢોરનો અડીંગો જાેવા મળે છે. રોજેરોજની આ ટ્રાફીક અને અકસ્માત સર્જતી સમસ્યાથી શહેરીજનો ત્રાસી ગયા છે. અમુક જગ્યાએ તો રસ્તા ઉપર ઢોર યુધ્ધ અને આખલા યુધ્ધનાં દ્રશ્યો વારંવાર જાેવા મળે છે. આ સમયે ત્યાંથી પસાર થતાં રાહદારીઓ, વાહન ચાલકોને ખુબ જ સાવધાની રાખવી પડે છે. જાે જરાપણ બેદરકારી દાખવવામાં આવે તો રખડતા ઢોરની હડફેટે ચડી જવાઈ અને હાથ-પગમાં ફ્રેકચરની સમસ્યાનો ખતરો રહેલો છે. જૂનાગઢ મનપા દ્વારા વારંવાર રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવતી હોવાનાં દાવા કરવામાં આવી રહયા છે. જાે મનપા દ્વારા કરવામાં આવી રહેલ દાવા મુજબ કામગીરી કરવામાં આવતી હોય તો માર્ગો ઉપર ઢોરનાં અડીંગા જાેવા ન મળે. એટલે કે મનપાની કામગીરી માત્ર કાગળ પર જ રહી હોવાની ફરીયાદો છે. શહેરીજનોને રખડતા ઢોરની સમસ્યાાંથી કાયમી છુટકારો અપાવવા માટે મનપા દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.

આખલા યુધ્ધનાં વારંવાર બનાવો - જનતા પરેશાન
શહેરમાં રખડતા ઢોરની સમસ્યા શા માટે ઉદભવી ?
જૂનાગઢ શહેરમાં રખડતા ઢોરની સમસ્યા શા માટે ઉદભવી છે તેનાં અનેક કારણો છે જે ઉપર એક નજર નાખવામાં આવે તો રખડતા ઢોરની સમસ્યા પાછળનુ સાચુ કારણ મળી શકે છે. અને જાે લોકો દ્વારા પણ જાગૃતિ દાખવવામાં આવે તો ઢોરની સમસ્યામાંથી છુટકારો પણ મળી શકે છે.
*  રખડતા ઢોરની સમસ્યામાં એક કારણ એ પણ છે કે ઢોર માલીકો દ્વારા આવા ઢોરને રખડતા મુકી દેવામાં આવે છે. માલીકો દ્વારા ત્યજી દેવાયેલા ઢોર રસ્તામાં જયાં ત્યાં જાેવા મળે છે.
*  ખોરાકની શોધમાં રસ્તા ઉપર આવી ગયેલા આ ઢોર જયાં ત્યાં અડીંગો જમાવીને અથવા તો રસ્તા ઉપર ફરતા જાેવા મળે છે.
*  શહેરમાં રખડતા ઢોર જયાં ત્યાં ફરતા હોવાનાં કારણમાં દાન, પૂણ્ય કરનારા કેટલાક લોકો રખડતા ઢોરને જયાં જાેવા મળે ત્યાં ઘાસ, નિરણ આપી અને એક પૂણ્ય કમાવવાનું સારૂ કાર્ય કર્યાનો જે તે લોકો આશ્વાસન મેળવે છે. રસ્તા ઉપરથી યોગ્ય ઘાસચારો મળી જવાથી રખડતું ઢોર તે જગ્યા ઉપર જ રહે છે.
*  શેરી, માર્ગો ઉપર દેખાતા ઢોરને ઘરની નજીક જ નિહાળી અને ગૌ ગરાસ તેમજ તેને ખોરાક માટે આપવાની વસ્તુઓ જે તે સ્થળે જ આપી દેવામાં આવતી હોય જેથી આવા ઢોર ત્યાં અડીંગો જમાવે છે. જેથી લોકોને પણ જાગૃતિ કેળવવાની જરૂર છે.
*  રખડતા ઢોરની વકરેલી સમસ્યા અંગે મનપા તંત્ર કોઈ કાર્યવાહી કરતું ન હોવાનાં કારણે પણ શહેરમાં જયાં ત્યાં રખડતા ઢોર જાેવા મળે છે.