અદભુત સાહસ અને શ્રદ્ધાનું પ્રતિક: બિહારના સ્કેટિંગ યાત્રી દીપક ચૌધરીનું માંગરોળ ખાતે ભવ્ય સ્વાગત કરાયું

અદભુત સાહસ અને શ્રદ્ધાનું પ્રતિક: બિહારના સ્કેટિંગ યાત્રી દીપક ચૌધરીનું માંગરોળ ખાતે ભવ્ય સ્વાગત કરાયું

(નિલેષ રાજપરા દ્વારા)
માંગરોળ તા.૮
આપણા દેશમાં અનોખી શ્રદ્ધા અને અતૂટ મનોબળ સાથેની આધ્યાત્મિક યાત્રાઓના અનેક કિસ્સાઓ જોવા મળે છે, પરંતુ બિહારના સીતામઢી જિલ્લાના સાહસિક યુવાન દીપક ચૌધરી દ્વારા સ્કેટિંગના માધ્યમથી કરવામાં આવી રહેલી દેશવ્યાપી જ્યોતિર્લિંગ અને ધામ યાત્રા સૌ કોઈ માટે ભારે આશ્ચર્ય અને પ્રેરણાસ્ત્રોત બની છે.
બિહારના દીપક ચૌધરીએ તમિલનાડુના રામેશ્વરમથી પોતાની આ અનોખી સ્કેટિંગ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. રામેશ્વરમથી શરૂ થયેલી આ યાત્રા ત્રણ દિવસ બાદ તિરુપતી બાલાજી પહોંચી હતી. ત્યારબાદ ત્યાંથી શ્રીશૈલમ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના દર્શન કરી તેમણે અંદાજે ૮૦૦ કિલોમીટર જેટલું લંબાયેલું સ્કેટિંગ સાહસ ખેડ્યું હતું. મહારાષ્ટ્રના પુણે સ્થિત ભીમાશંકરથી ત્રંબકેશ્વર, ગ્રિષ્ણેશ્વર, મધ્યપ્રદેશના ઉજ્જૈન સ્થિત મહાકાલેશ્વર અને ગુજરાતના સોમનાથ મહાદેવના દર્શન કરી તેઓ આજે માંગરોળ ખાતે આવી પહોંચ્યા હતા.
માંગરોળ ખાતે આગમન થતાં જ અહીંના બાઈપાસ પર આવેલ સનાતન હિન્દૂ આશ્રમ (સાઈ મંદિર) ખાતે સાંઈ મંદિરના મહંત તથા વહીવટકર્તા શ્રી સાઈનાથ (ભરતભાઈ પુરોહિત) દ્વારા તેમનું અત્યંત આગ્રહપૂર્વક ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને આશ્રો આપી રાત્રિ રોકાણ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ આધ્યાત્મિક અને સાહસિક યાત્રા કરનાર પ્રવાસી યુવાનને આજની યુવા પેઢી સલામ કરે છે.
મળતી માહિતી મુજબ, દીપક ચૌધરી આવતીકાલે સવારે માંગરોળથી પોતાની આ પવિત્ર યાત્રા પુન: શરૂ કરશે અને અહીંથી સ્કેટિંગ દ્વારા જગત મંદિર દ્વારકાધીશ અને ત્યારબાદ નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શને જશે. આગળના રૂટ વિશે જણાવતા તેમણે કહ્યું હતું કે તેઓ ઉત્તરાખંડ સ્થિત પવિત્ર કેદારનાથ ધામ અને પંચકેદારની યાત્રા પણ કરશે અને જ્યાં સ્કેટિંગ કરવું શક્ય નહીં બને, ત્યાં શ્રદ્ધાપૂર્વક પદયાત્રા કરીને દેવાધિદેવ મહાદેવના દર્શન કરશે.
આજના આધુનિક યુગમાં પણ ધર્મ, સાહસ અને અતૂટ શ્રદ્ધાનું આ અદ્ભુત ઉદાહરણ પૂરું પાડનાર યાત્રીનું માંગરોળ મુકામે આગમન સમગ્ર પંથક માટે ગર્વની બાબત બની રહી છે.
માંગરોળ ખાતે આવતા જતા યાત્રિકો અને સાધુ-સંતો માટે બાઈપાસ પર આવેલ સનાતન હિન્દૂ આશ્રમ (સાઈ મંદિર) ઉત્તમ સેવા અને આશ્રયસ્થાન સાબિત થઈ રહ્યું છે. યાત્રિકો માટે હંમેશા હૂંફાળો આશ્રો અને સેવા પૂરી પાડવા બદલ શ્રી સાઈનાથ (ભરતભાઈ પુરોહિત) અને આશ્રમ પરિવારનો આભાર માનીએ તેટલો ઓછો છે.