“અમે તહેવારોના નહીં ધ્વનિ પ્રદુષણના વિરોધમાં છીએ” : બોમ્બે હાઈકોર્ટ
(એજન્સી) મુંબઈ તા.૨૨:
મહારાષ્ટ્રમાં તહેવારો દરમિયાન વધી રહેલા ધ્વનિ પ્રદૂષણને ગંભીરતાથી લેતાં મુંબઈ હાઈ કોર્ટે આ મુદ્દે સુઓ મોટો કાર્યવાહી ચાલુ કરી હતી. તે સાથે હાઈકોર્ટે એવી સ્પષ્ટતા કરી હતી કે તેઓ કોઈ ધર્મ કે તહેવારોની વિરુદ્ધ નથી, પરંતુ તહેવારો અને જાહેર કાર્યક્રમોમાં થતા ધ્વનિ પ્રદૂષણથી ચિતિત છે. જસ્ટીસ જી. એસ. કુલકર્ણી અને જસ્ટીસ નીલા ગોખલેની ખંડપીઠે તહેવારો તથા જાહેર કાર્યક્રમો દરમિયાન ડીજે, સાઉન્ડ સિસ્ટમ અને લાઉડસ્પીકરના ઉપયોગથી ફેલાતા ધ્વનિ પ્રદૂષણ અંગે ચિતા વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે કોઈપણ તહેવારની ઉજવણી કરતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે તેના કારણે અન્ય લોકોને મુશ્કેલી ન પડવી જોઈએ. કોર્ટે આ પ્રકરણે સ્પષ્ટીકરણ આપતા જણાવ્યું હતું કે, અમે કોઈ ધર્મ કે તહેવારની ઉજવણીના વિરોધમાં નથી. જોકે, તહેવારોની ઉજવણી કરતી વખતે દરેક વ્યક્તિએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે અન્ય લોકોને અસુવિધા ન થાય.
હાઈકોર્ટે આ મામલે આજે વધુ સુનાવણી રાખી છે. કોર્ટે રાજ્યના એડવોકેટ જનરલ મિલિદ સાઠેને ધ્વનિ પ્રદૂષણને નિયંત્રિત કરતા નિયમો અંગે કોર્ટને માહિતી આપવાનો નિર્દેશ આપ્યો છે. ખાસ કરીને મૂર્તિ વિસર્જન દરમિયાન આ નિયમોનું પાલન થાય છે કે નહીં ? તે અંગે પણ સરકાર પાસેથી માહિતી મગાવવામાં આવી છે.


