જૂનાગઢમાં હીરોના શો રૂમથી મજેવડી દરવાજા સુધીની કામગીરી પૂર્ણ થતા રસ્તો ખુલ્લો મુકાયો
જૂનાગઢ તા. ૬
જૂનાગઢ શહેરમાં મુખ્ય માર્ગો ઉપર વિવિધ કામગીરી ચાલી રહી હોય કેટલાક કામો પૂર્ણ થયા છે અને હજુ ઘણી જગ્યાએ કામો ચાલુ છે. ત્યારે આજે હીરોના શો રૂમથી મજેવડી દરવાજા સુધીના તૈયાર બની ગયેલા રોડને ખુલ્લો મુકી દેવામાં આવ્યો હતો. અને વાહન વ્યવહાર સ્થાપિત થયો હતો.
જૂનાગઢ શહેરમાં વિવિધ રસ્તાઓના કામો ચાલી રહયા છે. આ દરમ્યાન કામગીરી શરૂ કરતા પહેલા મનપાનાં કમિશ્નર આર.આર. વાળાએ જણાવ્યું હતું કે બને ત્યાં સુધી શહેરનાં વિવિધ વિસ્તારોમાં રસ્તાના પેચવર્ક તેમજ નવા રસ્તા બનાવવાની કામગીરી જે ચાલી રહી છે તે તહેવારો પહેલા પૂર્ણ કરી નાખવામાં આવશે. આ દરમ્યાન ગાંધી ચોકથી રેલ્વે સ્ટેશન સુધીનાં માર્ગ ઉપર ભુગર્ભ ગટર યોજના ફેઝ-રની કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ કામગીરી હાલ પૂર્ણ થઈ છે. અને નિયમ મુજબ આ નવા માર્ગને પકાવવા માટે પાણીનો છંટકાવ થઈ રહયો છે અને નજીકનાં જ સમયમાં આ રસ્તો પણ ખુલ્લો કરવામાં આવશે. આ ઉપરાંત હીરોના શો રૂમથી મજેવડી દરવાજા સુધીના માર્ગ ઉપર પણ રસ્તાની કામગીરી હાથ ધરાઈ હતી. જે કામગીરી પૂર્ણ થતા તંત્ર દ્વારા આ રસ્તાને ખુલ્લો મુકી દેવામાં આવેલ છે. અને વાહન વ્યવહાર સ્થાપિત થયો છે.


