આલ્ફા સ્કુલની હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવાના બનાવનાં વિરોધમાં સમસ્ત આહિર સમાજ દ્વારા રેલી-આવેદનપત્ર
માર મારનાર સામે કડક કાર્યવાહી તેમજ સ્કુલ, હોસ્ટેલની માન્યતા રદ કરવા માંગ
જૂનાગઢ તા. ૮
જૂનાગઢ મધુરમ વિસ્તારમાં આવેલી આલ્ફા ઈન્ટરનેશનલ સ્કુલની હોસ્ટેલમાં તાજેતરમાં ઉપલેટાનાં આહિર સમાજનાં ખેડૂત વિમલભાઈ પીઠાભાઈ ચોચાના પુત્ર જય (ઉ.વ. ૧૬)ને અન્ય ચાર વિદ્યાર્થીઓએ માર મારવાનાં બનાવનાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. દરમ્યાન સમસ્ત આહિર સમાજ જૂનાગઢ જીલ્લા દ્વારા આજે જીલ્લા વહીવટી તંત્રને એક આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે. રેલી સ્વરૂપે જઈ અને આવેદનપત્ર આપવામાં આવેલ હતું. મુખ્યમંત્રીને સંબોધીને લખાયેલા આ આવેદનપત્રમાં વિદ્યાર્થીને માર મારનાર સામે સખ્ત કાનુની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
તેમજ આ બનાવ અંગે હોસ્ટેલનાં સંચાલકોએ વાલીને જાણ ન કરેલ હોય અને દબાવી દેવાનો પ્રયાસ કરેલ છે ત્યારે આવી સ્કુલ અને હોસ્ટેલની માન્યતા રદ કરવા તેમજ હોસ્ટેલના સંચાલકો વિરૂધ્ધ પણ ગુનો દાખલ કરવાની માંગણી કરવામાં આવી છે.


