જૂનાગઢમાં આગામી 15 દિવસમાં 'સ્માર્ટ મીટર' ઈન્સ્ટોલેશન શરૂ થશે.
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના અધિક્ષક એસ.એચ. રાઠોડે આ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશનની કામગીરી ફેઝ-૨ હેઠળ 15 થી 20 આવનારા દિવસમાં શરૂ કરી દેવામાં આવશે. હાલમાં મીટરનું ટેસ્ટિંગ કાર્ય ચાલી રહ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું કે, ફેઝ-1 માં કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રાહકો માટે સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશનની કામગીરી શરૂ છે, જ્યારે ફેઝ-૨ માં મુખ્યત્વે રહેણાંક ગ્રાહકોને આવરી લેવામાં આવશે.
સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ થાય તે પહેલાં આ અંગે ફેલાતી અફવાઓ અને ગ્રાહકોની મૂંઝવણને દૂર કરવા માટે એસ.એચ. રાઠોડે વધુ સ્પષ્ટતા કરી હતી કે, સ્માર્ટ મીટર લગાવવું એટલે ટેક્નોલોજી સાથે કદમ મિલાવવાની વાત છે અને ગ્રાહકોએ કોઈપણ પ્રકારની અફવાઓમાં ભરમાવવાની જરૂર નથી. સ્માર્ટ મીટરથી ગ્રાહકોને લાભ જ થવાનો છે. PGVCLનો હેતુ ગ્રાહકોને વધુ સારી અને પારદર્શક સેવા પ્રદાન કરવાનો છે. આ ઉપરાંત, સરકાર દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ સ્માર્ટ મીટર લગાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.
સ્માર્ટ મીટરના ફાયદા ગણાવતા તેમણે જણાવ્યું કે, આ નવી ટેકનોલોજી દ્વારા ગ્રાહકોને તેમના મોબાઈલમાં એક એપ્લિકેશન દ્વારા દૈનિક વીજળીના વપરાશની માહિતી મળી રહેશે. આનાથી ગ્રાહક પોતાના વીજ વપરાશ પર યોગ્ય નિયંત્રણ રાખી શકશે. આ ઉપરાંત, ઘરના વાયરિંગ કે ઇલેક્ટ્રોનિક સાધનોમાં ક્યાંય પણ કરંટ લીક થવાની સમસ્યા હશે તો તેનું નોટિફિકેશન પણ ગ્રાહકના મોબાઇલમાં તુરંત મળી જશે.
વળી, બિલિંગ પ્રક્રિયા અંગે સ્પષ્ટતા કરતા અધિક્ષકે કહ્યું હતું કે સ્માર્ટ મીટરમાં કોઈ એડવાન્સ રિચાર્જ કરવાની જરૂર નથી. જે પ્રકારે હાલમાં ગ્રાહકોને વીજળી વપરાશનું બિલ મળે છે અને તે ભરવા માટે ચોક્કસ સમય મળે છે, તેવી જ રીતે આ સ્માર્ટ મીટરમાં નિયમિત પણે બિલ આવશે અને બિલ ભરવાનો ચોક્કસ ટાઈમ મળશે.


