કરોડોનાં ખર્ચે બનેલી જૂનાગઢની સિવિલ હોસ્પીટલનાં અંધેર વહીવટથી દર્દીઓ પરેશાન
દર્દીઓને સારી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં નહી આવે તો કોંગ્રેસ દ્વારા આંદોલન થશે
જૂનાગઢ તા. ૧૯
જૂનાગઢની સિવિલ હોસ્પીટલમાં ચાલતા અંધેર વહીવટનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે અને અણઆવડત છતી થાય છે ત્યારે આગામી દિવસોમાં સિવિલ હોસ્પીટલમાં અહીં આવનારા દર્દીઓ માટે સારવારની યોગ્ય વ્યવસ્થા કરવામાં નહી આવે તો કોંગ્રેસ પક્ષ દ્વારા આંદોલનની ચિમકી આપવામાં આવી છે. પ્રાપ્ત થતી વિગત અનુસાર જૂનાગઢ સહિત આસપાસનાં જીલ્લા-તાલુકાઓનાં લોકોને પુરતી આરોગ્ય વિષયક સેવાઓ મળી રહે અને છેવાડાનાં માનવીને પણ ઉચ્ચતમ સારવાર પ્રાપ્ત થાય તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા કરોડો રૂપિયાનાં ખર્ચે જૂનાગઢને અદ્યતન સાધન - સુવિધાથી સજજ એવી સિવિલ હોસ્પીટલની ભેટ આપી છે અને પાંચ જીલ્લાનાં દર્દીઓ સિવિલ હોસ્પીટલમાં સારવાર માટે આવતા હોય છે. આ ઉપરાંત ઈમરજન્સી કેસમાં પણ સિવિલ હોસ્પીટલમાં દર્દીઓને ખસેડવામાં આવતા હોય છે જેને લઈને સરેરાશ રોજનાં ર૦૦૦થી વધુ દર્દીઓ આવતા હોય છે અને ઓપીડી સતત ધમધમતી હોય છે પરંતુ છેલ્લા કેટલાક સમય થયા સિવિલ હોસ્પીટલનો વહીવટ સાવ ખાડે ગયો હોવાની વ્યાપક ફરીયાદો ઉઠવા પામી છે.

દરમ્યાન કરોડો રૂપિયાનાં ખર્ચે સરકાર દ્વારા આઠ માળની સરકારી હોસ્પિટલ વર્ષો પહેલા બની ગઈ છે અને અહી આવતા દર્દીઓને છેક આઠમાં માળ સુધી લઈ જવા માટે એક રેમ્પ બનાવવામાં આવ્યો હતો પણ આટલા વર્ષમાં આનો ઉપયોગ થયો નહી અને હવે લાખો રૂપિયાના ખર્ચે ફરી રેમ્પ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ઈજનેર દ્વારા આ પ્લાન બનાવવામાં આવ્યો છે એક તો દરવાજાની ઉંચાઈ ૬ ફૂટ એમ્બ્યુલન્સની ઉંચાઈ અંદાજીત ૧૨ જેટલી હોય છે તો દર્દીને કઈ રીતે લઈ જવાય.. બીજુ એક માળથી બીજે માળ જવા માટે એમ્બ્યુલન્સને વળવા માટે પુરતી જગ્યા જ નથી તો એમ્બ્યુલન્સ કઈ રીતે વળે. તે પણ એક મોટો સવાલ છે કે માત્ર બીલ બનાવવા માટે રેમ્પ નુ અણઘડ કામ શરૂ કર્યું હોવાનું કહેવાય છે. જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સારવાર માટે આવે છે પણ સારવાર કરવાને બદલે બહાર ધકેલી દે છે તેવી પણ ફરીયાદ ઉઠી છે. વધુમાં બહાર ગામથી આવતા દર્દીઓએ જણાવ્યું હતુ કે ઓપરેશન પછી દસ મિનિટ બાદ રજા આપી દેવામાં આવે છે ગમે તેટલો દુખાવો હોય છતા રજા. નથી દવા આપતા કે નથી જમવાનું. ગરીબ દર્દી તો આ હોસ્પિટલથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે દવા બારી પર લાંબી લાઈનો હોય છે અને વારો આવે ત્યારે નથી તેમ કહી બહારથી દવા લઈ લો તેવા જવાબ અપાય છે. બહારથી આવતા દર્દીઓએ જણાવ્યું હતું કે, અમારી પાસે બહારથી દવા કે ખાનગી હોસ્પિટલના પૈસા હોય તો સરકારી હોસ્પિટલમાં સારવાર માટે થોડા આવીએ ?
લોકોએ એમ પણ જણાવ્યું હતું કે, અહી નથી કોઈ બેસવાની વ્યવસ્થા જેથી તમામ વોર્ડની બહાર દર્દીઓના સગા નીચે જમીન પર બેઠા હોય છે અદ્યતન પાણીના કુલર જાેવા મળે છે પણ ગ્લાસ નહી હોવાથી આજે પણ ખોબેથી પાણી પીવું પડે છે.. મોટા ભાગના શૌચાલય બંધ હાલત મા જાેવા મળે છે અહી દર્દીઓની હાલત કફોડી બની છે છતા સિવિલ સુપ્રિટેન્ડન્ટ સબ સલામતના દાવા કરી રહ્યા છે
દરમ્યાન કોંગ્રેસ દ્વારા આ હોસ્પિટલના અણઘડ વહીવટ સામે હવે મેદાનમાં આવશે અને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે અને જે ઈજનેરને રેમ્પનું કામ આપ્યુ છે તે પૈસા તેની પાસેથી વસુલ કરવામાં આવે તેવી માંગણી કરી છે.


