જૂનાગઢમાં ગુજરાત વિજ વિભાગના એન્જીનીયર એસો.નું ર૭ મું અધિવેશન મળશે

આવતીકાલ તા.ર૭, ર૮ ડીસેમ્બરના રોજ યોજાનાર અધિવેશનમાં ઉર્જા વિભાગના કેબિનેટ મંત્રી ઋષીકેશ પટેલ, રાજયકક્ષાના ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરીયા, જીબીયાના પ્રેસિડેન્ટ ગોરધનભાઈ ઝડફીયા, એજીવીકેએચના પ્રમુખ ભરતભાઈ પંડયા, ઉર્જા વિભાગના અધિક મુખ્ય સચિવ સહીતના પદાધિકારીઓ ઉપસ્થીત રહેશે

જૂનાગઢમાં ગુજરાત વિજ વિભાગના એન્જીનીયર એસો.નું ર૭ મું અધિવેશન મળશે

જૂનાગઢ તા. ર૬
જૂનાગઢમાં આવતીકાલ તા.27 અને 28 ડીસેમ્બરના રોજ બે દિવસ માટે ગુજરાત વિજ વિભાગના એન્જીનીયર એસોસીએશનનો ર૭ મું અધિવેશન મળી રહયું છે. ત્યારે આ અધિવેશનમાં વિવિધ ક્ષેત્રના અગ્રણી, મહાનુભાવો, સરકારશ્રીના મંત્રીઓ તેમજ ઉર્જા વિભાગના પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહેનાર છે. 27માં અધિવેશન આડે ગણતરીના કલાકો જ બાકી રહયા છે ત્યારે તડામાર તૈયારી ચાલી રહી છે. આયોજકો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ગુજરાત રાજ્યનાં વિજ વિભાગનાં એન્જીનીયર્સ એસોસીએશન એટલે કે જીઈબી એન્જીનિયર્સ એસોસિએશનનું ૨૭મુ અધિવેશન આવતીકાલ તારીખ 27 અને 28 ડીસેમ્બરના રોજ જૂનાગઢ જુના બાયપાસ રોડ ઊપર, સરદાર પટેલ શૈક્ષણિક સંકુલની ડો.હરિભાઈગોધાણી કેમ્પસની વિશાળ જગ્યામાં વિશાળ જર્મન ડોમ, કિચન એરિયા, પાર્કિંગ એરિયા તેમજ VVIP અને VIP મહેમાનો માટેની સીટીંગ એરેન્જમેન્ટ માટેની સંપૂર્ણ તૈયારી સાથે અધિવેશન ને આખરી ઓપ આપી દેવામાં આવેલ છે. દરેક કમિટીએ પોતાની કામગીરીનો મોરચો સંભાળી લીધેલ છે અને ગુજરાતભરમાંથી આવનાર ઈજનેરોની તેમના પરિવાર સાથે રહેવા માટેની પણ સંપૂર્ણ વ્યવસ્થા કરી અને દરેક મેમ્બરને જૂનાગઢમાં જે જગ્યાએ રહેવા માટેની વ્યય્સ્થા કરવામાં આવેલ છે તેની તેઓને રજીસ્ટ્રેશન કમિટી દ્વારા હોટેલ એરેન્જમેન્ટનો મેસેજ વોટ્સએપ અને જીસ્જી મેસેજ દ્વારા જાણ કરી દેવામાં આવેલ છે.
આ કામગીરી માટે વિવિધ 20 જેટલી કમિટીઓ કાર્યરત છે. અને તેની ઊપર એક્ઝીક્યુટીવ કમિટીના ૪ મુખ્ય કમિટી મેમ્બર્સ બી.વી. ખુંટ, શ્રી પી.બી. ગાજીપરા, એસ.પી. કાસુન્દ્રા તેમજ એમ.એન. મંડોરા દ્વારા અધિવેશનની સંપૂર્ણ તૈયારીને GEBEAના પ્રેસિડેન્ટ ગોરધનભાઈ ઝડફિયાના માર્ગદર્શન નીચે કોર બોડી તેમજ સેક્રેટરી જનરલ શ્રી એચ.જી. વઘાસીયા દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. 
વધુમાં આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ મુખ્ય અતિથી તરીકે પધારવાના હતા પરંતુ અમદાવાદ ખાતે તારીખ ૨૮-૧૨-૨૦૨૫ ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ નો નમોત્સવ કાર્યક્રમમાં હાજરી આપવાની હોવાથી ઉપસ્થિત રહી શકે તેમ ન હોય તેઓ દ્વારા આ અધિવેશનની સફળતા માટેનો શુભેચ્છા સંદેશ પાઠવેલ છે. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કેબીનેટ ઊર્જામંત્રી ઋષિકેશભાઈ પટેલ, તેમજ રાજ્યકક્ષાના ઊર્જામંત્રી કૌશિકભાઈ વેકરીયા, GEBEAના પ્રેસિડેન્ટ ગોરધનભાઈ ઝડફિયા તેમજ AGVKSના પ્રમુખ શ્રી ભરતભાઈ પંડયા ઉપરાંત જૂનાગઢના સાંસદ, ધારાસભ્યો અને મેયર, તેમજ અન્ય અગ્રણીઓ ઉપરાંત ઊર્જા વિભાગના અધિક મુખ્ય સચિવ તેમજ GUVNL મેનેજીંગ ડીરેક્ટરશ્રી અને તમામ ઉચ્ચ અધિકારીઓ અને તમામ સંલગ્ન કંપનીઓના મેનેજીંગ ડાયરેક્ટરો તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે તેમ GEBEAના સેક્રેટરી જનરલ એચ.જી. વઘાસિયાની યાદીમાં જણાવાયું છે.