શિવરાત્રી મેળો અંતિમ ચરણમાં : આવતીકાલે રવાડી સરઘસ
મેળાના મુખ્ય આકર્ષણ એવા ‘રવાડી’નાં દર્શન માટે ભાવિકોનો મહેરામણ ઉમટી પડશે : તંત્ર દ્વારા વિશેષ તૈયારી કાલે વાજતે ગાજતે રવાડી નીકળશે -સંતોના મૃગીકુંડમાં સ્નાન, ભવનાથ મહાદેવની મહાપૂજા બાદ શિવરાત્રીના મેળાની પુર્ણાહુતિ થશે
જૂનાગઢ તા. ૧૪
શિવરાત્રીનો મેળો અંતિમ ચરણમાં પ્રવેશી રહયો છે. આવતીકાલે શિવરાત્રીનાં પાવનકારી પર્વનાં અવસરે ભવ્ય રવાડી સરઘસ નીકળશે અને વાજતે ગાજતે નીકળેલી રવાડી સરઘસ બાદ સંતોનું મૃગીકુંડમાં શાહી સ્નાન બાદ ભવનાથ મહાદેવની મહપૂજા સાથે શિવરાત્રી મેળાની પુર્ણાહુતી થશે. શિવરાત્રી મેળાનો આજે ચોથો દિવસ છે અને ભાવિકોનો સતત પ્રવાહ ભવનાથ તળેટી વિસ્તારમાં રહયો છે.
આવતીકાલે મેળાનાં અંતિમ દિવસે ભાવિકોની સંખ્યામાં વિક્રમજનક વધારો થવાનો છે. શિવરાત્રી મેળાનો આજનો દિવસ અને આવતીકાલનો દિવસ માનવ મહેરામણ ઉમટી પડવાનું છે. ત્યારે તંત્ર દ્વારા તડામાર તેયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહયો છે. ભવનાથ મહાદેવનાં સાંનિધ્યમાં ભવનાથ મહાદેવને મહાવદ-૯ નાં ધ્વજારોહણ કરાવ્યા બાદ તા.૧૧-ર-ર૬નાં રોજ શિવરાત્રી મેળાનો પ્રારંભ થયો હતો. એજ દિવસે સાંજના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતીમાં ડમરૂ યાત્રા યોજાઈ હતી અને પ્રથમ દિવસથી જ ભાવિકો મોટી સંખ્યામાં શિવરાત્રી મેળામાં આવી પહોંચ્યા હતા.

ભવનાથ તળેટી ખાતે પ્રતિ વર્ષ યોજાતાં શિવરાત્રી મેળામાં આ વર્ષે મોટો બદલાવ આવ્યો છે. ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનાં માર્ગદર્શન હેઠળ શિવરાત્રી મેળો-ર૦ર૬ ને મીનીકુંભ સમાન યોજવા માટે તેમજ શિવરાત્રી મેળો ભવ્ય અને દિવ્ય બનાવવા માટે તંત્ર દ્વારા સફળ પ્રયાસો હાથ ધરાયા હતા. ભવનાથ તળેટીમાં પ્રવેશતા જ શિવમય માહોલ સર્જાઈ તેવા દિવાલો ઉપર ભગવાન શિવજીનાં દ્રશ્ય, લાઈટ ડેકોરેશન, ભવનાથ મંદિરમાં લાઈટીંગ વ્યવસ્થા તેમજ સુવિધાને લઈને ભવનાથ મંદિર દૈદિપ્યમાન ભાસતુું હતું.
૧૧ ફેબ્રુઆરીથી શરૂ થયેલ શિવરાત્રી મેળામાં દુર-દુરથી ભાવીકો, શ્રધ્ધાળુઓ ઉમટી પડયા છે. સંતોના દર્શનનો લ્હાવો લઈ રહયા છે. ભાવિકો માટે અન્નક્ષેત્રો ચાલી રહયા છે અને તેમાં સેવાભાવીઓ દ્વારા નિ:સ્વાર્થ ભાવે સેવા આપવામાં આવી રહી છે. રાત્રીનાં સમયે જાણીતા કલાકારોનાં સંતવાણીનાં કાર્યક્રમો યોજાઈ રહયા છે. અહીં આ વર્ષે શિવરાત્રી મેળામાં સહભાગી થઈ રહેલા ભાવિકો આ વખતનાં શિવરાત્રીના મેળાની દિવ્યતા અને ભવ્યતા નિહાળી અભિભુત થઈ રહયા છે. શિવરાત્રી મેળાનો આજે ચોથો દિવસ છે અને આવતીકાલે છેલ્લો દિવસ હોય ભારે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડનાર છે.

આવતીકાલે શિવરાત્રીનાં અવસરે વિવિધ અખાડાઓનાં અધીપતિ, સંતોની ઉપસ્થિતીમાં દીગમ્બર સાધુઓની રવાડી નીકળશે. આ રવાડી ખુબજ આકર્ષણનું કેન્દ્ર બને છે. રવાડી સરઘસમાં દીગમ્બર સાધુ દ્વારા લાઠી દાવ, તલવાર દાવ તેમજ જુદા જુદા હેરત અંગેજ દાવને કારણે ભારે અચંબીત કરે છે. રવાડી સરઘસનાં દર્શને હૈયે હૈયું દળાઈ તેટલી માનવ મેદની ઉમટી પડે છે. આ વખતે રવાડી રૂટ લંબાવાયો છે. રવાડી સરઘસ યોજાયા બાદ સંતોનું મૃગીકુંડમાં સ્નાન અને મધ્યરાત્રીએ મહાદેવની મહાપૂજા સાથે હરહર મહાદેવના નાદ ગુંજી ઉઠશે અને આ સાથે જ શિવરાત્રી મેળાની પુર્ણાહુતિ થશે.


