જૂનાગઢ મનપાના કોર્પોરેટર સેનિલાબેન થઈમનું મતદાર યાદીમાંથી નામ રદ્દ કરવા યોગી પઢીયારે ફોર્મ નં.૭ ભર્યું

જૂનાગઢ મનપાના કોર્પોરેટર સેનિલાબેન થઈમનું મતદાર યાદીમાંથી નામ રદ્દ કરવા યોગી પઢીયારે ફોર્મ નં.૭ ભર્યું

જૂનાગઢ તા.રર
હાલમાં ગુજરાત સહિત ૧ર રાજ્યોમાં મતદાર યાદી સુધારણા એસઆઈઆર (સ્પેશ્યલ ઈન્ટેન્સીવ રીવીઝન)ની કાર્યવાહી થઈ રહી છે. જે અંતર્ગત પ્રથમ તબક્કાની કાર્યવાહી બાદ હવે બીજા તબક્કામાં ફાઈનલ મતદાર યાદી પ્રસિધ્ધ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં સમગ્ર રાજયમાં મતદાર યાદીમાં નોંધાયેલા મતદારોના નામ રદ્દ કરવા માટે ત્રાહીત વ્યક્તિઓ, રાજકીય પક્ષોના કાર્યકરો દ્વારા જેની સાથે કાંઈ લાગતુ વળગતું નથી તેવા લોકોના નામ મતદાર યાદીમાંથી રદ્દ કરવા માટે ફોર્મ નં.૭ ભરવામાં આવી રહ્યા હોવાની વિગતો જાહેર થતાં ખળભળાટ મચી ગયો છે અને આ મામલે રાજય ચૂંટણી પંચ તેમજ મુખ્ય ચૂંટણી કમિશ્નર તેમજ જીલ્લા ચૂંટણી અધિકારીઓ સમક્ષ રજુઆતોનો ધોધ વહી રહ્યો છે. આવા જ એક પ્રકરણમાં જૂનાગઢ શહેરના વોર્ડ નં.૮માંથી ચૂંટાયેલા કોર્પોરેટર સેનીલાબેન થઈમનું નામ મતદાર યાદીમાંથી કમી કરવા માટે ભાજપના કાર્યકર યોગેન્દ્રસિંહ નારસીંભાઈ પઢીયાર દ્વારા ફોર્મ નં.૭ રજુ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે. કોંગ્રેસના ચાલુ કોર્પોરેટરનું નામ મતદારયાદીમાંથી રદ્દ કરવા માટે ભાજપના કાર્યકરે ફોર્મ નં.૭ ભરતા આ બાબતે જૂનાગઢ જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રીને રજુઆત કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. ૮૬-જૂનાગઢ મત વિસ્તારમાંથી મતદાર યાદીમાંથી ૧૦,૦૦૦ થી વધુ લોકોના નામ રદ્દ કરવા માટે ફોર્મ નં.૭ ભરવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.