'માલામાલ વીકલી 2'માં રવિના ટંડન અને પરિણીતિ ચોપડાની એન્ટ્રી, પરેશ રાવલ પણ મહત્વની ભૂમિકામાં
ફિલ્મનું દિગ્દર્શન અમિત જોશી કરશે; પહેલી ફિલ્મ જેવી કોમેડીનો માહોલ રહેશે, પરંતુ વાર્તા અને પાત્રો હશે સાવ અલગ
મુંબઈ, તા. 8
બોલિવૂડની લોકપ્રિય કોમેડી ફ્રેન્ચાઇઝી 'માલામાલ વીકલી' ફરી એકવાર દર્શકોને હસાવવા માટે તૈયાર થઈ રહી છે. ફિલ્મના બીજા ભાગ 'માલામાલ વીકલી 2' માટે રવિના ટંડન અને પરિણીતિ ચોપડાને મહત્વની ભૂમિકાઓ માટે પસંદ કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. આ ઉપરાંત પરેશ રાવલ પણ ફિલ્મમાં મહત્વપૂર્ણ પાત્ર ભજવતા જોવા મળશે.
રવિના ટંડન અને પરિણીતિ ચોપડા બંને પોતાના કોમિક ટાઈમિંગ માટે જાણીતા છે. રવિના અગાઉ 'અંદાઝ અપના અપના' સહિત અનેક કોમેડી ફિલ્મોમાં પોતાની છાપ છોડી ચૂકી છે. બીજી તરફ પરિણીતિએ વર્ષ 2011માં 'લેડીઝ વર્સીસ રિકી બહેલ' જેવી કોમેડી ફિલ્મથી બોલિવૂડમાં કારકિર્દીની શરૂઆત કરી હતી.
ફિલ્મમાં અન્ય મહત્વની ભૂમિકાઓ માટે હાલમાં કાસ્ટિંગ પ્રક્રિયા ચાલી રહી છે. 'માલામાલ વીકલી 2'નું દિગ્દર્શન અમિત જોશી કરશે, જેમણે તાજેતરમાં રિલીઝ થયેલી 'તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા'નું પણ દિગ્દર્શન કર્યું હતું.
મહત્વની વાત એ છે કે આ ફિલ્મને અગાઉ આવેલી 'માલામાલ વીકલી'ની સીધી સિક્વલ તરીકે રજૂ કરવામાં નહીં આવે. જોકે, પહેલી ફિલ્મની જેમ નવી ફિલ્મમાં પણ એવા ગામડાના પાત્રો અને તેમની લાલચ આસપાસની કોમેડી જોવા મળશે, જ્યાં મોટી રકમ મેળવવાની લાલચમાં લોકો અવનવી પરિસ્થિતિઓમાં ફસાતા જોવા મળશે.
આ વખતે વાર્તાનું સેટિંગ અને પાત્રો સંપૂર્ણપણે નવા રાખવામાં આવશે. રવિના, પરિણીતિ અને પરેશ રાવલ જેવા કલાકારોના જોડાણને કારણે 'માલામાલ વીકલી 2'ને લઈને દર્શકોમાં અત્યારથી જ ઉત્સુકતા જોવા મળી રહી છે.


