રણવીરની ફિલ્મના શૂટિંગથી ક્રિકેટરોમાં રોષ
‘પ્રલય’ના શૂટિંગને કારણે આઝાદ મેદાનની ઇન્ટર સ્કૂલ ક્રિકેટ મેચો મુલતવી; મુંબઈ ક્રિકેટ એસોસિએશનનો મંજૂરી સામે વિરોધ
મુંબઈ તા.7
બોલિવૂડ અભિનેતા રણવીર સિંહની આગામી ફિલ્મ ‘પ્રલય’ના શૂટિંગને લઈને મુંબઈના ઐતિહાસિક આઝાદ મેદાનમાં વિવાદ ઊભો થયો છે. મેદાન પર ફિલ્મનું શૂટિંગ શરૂ થતાં ઇન્ટર સ્કૂલ ક્રિકેટ મેચો મુલતવી રાખવાની ફરજ પડી છે. આ મુદ્દે મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA)એ શૂટિંગ માટે મંજૂરી આપનારા મહારાષ્ટ્ર સરકારના રમત વિભાગના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો છે. બીજી તરફ, ફિલ્મના નિર્માતા હંસલ મહેતાએ દાવો કર્યો છે કે પ્રોડક્શન ટીમે શૂટિંગ માટે જરૂરી તમામ કાનૂની મંજૂરીઓ અગાઉથી મેળવી લીધી હતી.
મળતી માહિતી મુજબ, રાજ્ય સરકારે પ્રોડક્શન હાઉસ લાઇટ રેઝને આઝાદ મેદાનમાં છ કલાકના શૂટિંગ માટે 5,000 ચોરસ વાર સરકારી જમીન ભાડે આપી હતી. આ માટે રૂ.40,000 ભાડું વસૂલવામાં આવ્યું હતું, જ્યારે રૂ.40,000ની રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ પણ લેવામાં આવી હતી. આઝાદ મેદાનમાં ફિલ્મના શૂટિંગ માટે પહેલીવાર મંજૂરી આપવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે.
સરકારી અધિકારીઓએ આ નિર્ણયનો બચાવ કરતાં જણાવ્યું હતું કે વર્ષ દરમિયાન 30 દિવસ સુધી રમતગમત સિવાયની પ્રવૃત્તિઓ માટે મેદાન ભાડે આપવાની મંજૂરી આપતો સરકારી પરિપત્ર છે. આ પરિપત્ર હેઠળ રમત વિભાગને મેદાન ભાડે આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે. બીજી તરફ, નિર્માતા હંસલ મહેતાએ વહીવટી પ્રક્રિયાની ટીકા કરતાં જણાવ્યું હતું કે સરકારી તંત્રની લાલફિતાશાહીને કારણે મુંબઈમાં ફિલ્મનું શૂટિંગ કરવું મુશ્કેલ બની રહ્યું છે.
મુંબઈ ક્રિકેટ એસોસિએશનના કાઉન્સિલ સભ્ય નદીમ મેનને જણાવ્યું હતું કે આઝાદ મેદાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે તાલીમ કેન્દ્ર તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમના જણાવ્યા અનુસાર, હાલમાં મેટ્રો એક્વાલાઈનના કોન્ટ્રાક્ટર અને પોલીસ વિભાગે પણ મેદાનના કેટલાક ભાગો પર કબજો જમાવ્યો છે. હવે ફિલ્મના શૂટિંગને કારણે ક્રિકેટની પ્રવૃત્તિઓ પર વધુ અસર પડી રહી છે અને ઇન્ટર સ્કૂલ મેચો મુલતવી રાખવાની સ્થિતિ ઊભી થઈ છે. આ સમગ્ર મામલે રમતગમતની પ્રવૃત્તિઓ અને ફિલ્મ શૂટિંગ માટે મેદાનના ઉપયોગને લઈને ચર્ચા તેજ બની છે.


