નરસિંહ મહેતા સરોવરનાં બ્યુટીફીકેશન અંતર્ગત કરોડોનાં અધિક ખર્ચાઓને મંજુરી : ભારે વિવાદ

નરસિંહ મહેતાનાં સ્ટેચ્યુ માટે રૂા. ૮પ લાખ, સરોવરમાં સીસી ટીવી માટે રૂા. ર.પ૦ કરોડ, કોટા સ્ટોનના સાંધા ભરવા માટે રૂા. ૬૮ લાખ મળીને રૂા. ૮.ર૦ કરોડના અંદાજીત ખર્ચને મંજુરી

નરસિંહ મહેતા સરોવરનાં બ્યુટીફીકેશન અંતર્ગત કરોડોનાં અધિક ખર્ચાઓને મંજુરી : ભારે વિવાદ

જૂનાગઢ તા. રર
જૂનાગઢવાસીઓ ઘણા લાંબા સમયથી જેની રાહ જાેઈ રહયા છે તેવા શહેરનાં નજરાણા સમા નરસિંહ મહેતા સરોવરની બ્યુટીફીકેશનની કામગીરી લગભગ પૂર્ણતાનાં આરે પહોંચી છે પરંતુ આ સાથે જ બ્યુટીફીકેશન પાછળ કરોડોનાં એકસ્ટ્રા એકસેસને મંજુરી અપાવી દેવાનાં તંત્ર વાહકોનાં નિર્ણયને લઈને ભારે હોબાળો મચી ગયો છે. વધારાનાં ખર્ચમાં નરસિંહ મહેતાનાં સ્ટેચ્યુનો 
રૂા. ૮પ લાખ, સરોવરમાં સીસી ટીવી માટે રૂા. ર.પ૦ કરોડ, કોટા સ્ટોનના સાંધા ભરવા રૂા. ૬૮ લાખ અને તળાવનો રોડ રૂા. ર.૮ર કરોડનાં આ ખર્ચને દલાતરવાડીની માફક વહીવટની કામગીરીને ઓપ અપાતા ભારે ચકચાર જાગી ઉઠી છે.
જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા નરસિંહ મહેતા સરોવરનું લોકાર્પણ થાય તે પહેલા જ ફરી એકવાર વિવાદનો મધપુડો છંછેડાયો છે અને જુદા જુદા બહાના હેઠળ લાખો રૂપિયા ફાળવવામાં આવતા ભારે ચકચાર જાગી ઉઠી છે. 
આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢ શહેરમાં આવેલા નરસિંહ મહેતા સરોવરને અમદાવાદનાં કાંકરીયા તળાવ જેવું બનાવવા માટે અઢી વર્ષ પહેલા કોર્પોરેશન દ્વારા કામગીરી શરૂ કરી હતી. અને આ કામગીરી દરમ્યાન નબળી કામગીરી તેમજ ભ્રષ્ટાચાર થતો હોવાની પણ વ્યાપક ફરીયાદો ઉઠી હતી. જેમ તેમ કરીને કામગીરી હાલ પૂર્ણતાનાં આરે પહોંચી છે અને ખર્ચનો આંકડો જાેવા જઈએ તો નરસિંહ મહેતા સરોવરને સુંદર બનાવવા માટેના કહેવાતા કામો અંતર્ગત ખર્ચ રૂા. ૭૦ કરોડ જેવો પહોંચી જતાં અનેક તર્ક-વિતર્ક થઈ રહયા છે. વિશેષમાં મળેલી વિગત અનુસાર  નિયમ સમય મર્યાદામાં અને ટેન્ડરની નિયમ રકમમાં જે કામગીરી પૂર્ણ કરવાની હતી. જેમાં રૂા. ૯ કરોડનું વધારાનું કામ કરવામાં આવતા આખરે તે કરોડો રૂપિયાના એકસ્ટ્રા એકસેસને સ્થાયી સમીતીએ મંજુરી આપી દીધી છે. જે મંજુરી હાલ શહેરમાં ચર્ચાના ચકડોળે ચડી છે. જૂનાગઢ મનપાની સ્થાયી સમીતીની ગત મંગળવારે બેઠક મળી હતી જેમાં ખાસ કરીને નરસિંહ મહેતા સરોવરનાં બ્યુટીફીકેશન માટે એકસ્ટ્રા એકસેસ ખર્ચને મંજુરી આપવામાં આવી છે. જે ખર્ચ અંગે વાત કરીએ તો સરોવરમાં સીસી ટીવી કેમેરા તથા પી.એ. સીસ્ટમ (પબ્લીક એડ્રેસ સીસ્ટમ) માટે રૂા. ર.પ૦ કરોડ, તળાવ ફરતે આરસીસી રોડ (શહીદ સ્માર્ક ગાર્ડનથી લઈ પેટ્રોલ પંપ સુધી) ૭૦૦ મીટર લંબાઈ અને ૧ર મીટર પહોળાઈનો રોડ બનાવવા રૂા. ર.૮ર કરોડ છે આઈલેન્ડ પૈકી આઈલેન્ડ-૧માં એમ્ફ્રી થીયેટર માટે રૂા. ૭પ લાખ, નરસિંહ મહેતાનું સ્ટેચ્યુ (૧પ ફુટ ઉં, પંચધાતુ) માટે રૂા. ૮પ લાખ, એપોક્ષી ગુવ ફીલીંગ (કોટા સ્ટોનના સાંધાઓ ભરવા) માટે રૂા. ૬૮ લાખ મળીને રૂા. ૮.ર૦ કરોડનો અંદાજીત ખર્ચ થયો હતો જેને મંજુરી આપવામાં આવતા હાલ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. કોર્પોરેશન તંત્રનાં પદાધિકારીઓ દ્વારા પ્રજાનાં પૈસાનો જે રીતે બેફામ દુર ઉપયોગ થઈ રહયો છે તેની સામે ભારે આક્રોશ ઉઠયો છે. તો વિરોધ પક્ષ દ્વારા પણ તીવ્ર પ્રતિક્રિયાઓ સાથે આ બાબતે રજુઆતો થઈ રહી છે.