ગાંધીનગર ખાતે મળેલી શિવરાત્રી મેળાના આયોજનની બેઠકમાં ઉતારા મંડળને ઈરાદાપૂર્વક નિમંત્રણ અપાયું નહી !!!
જૂનાગઢ તા.૧૮
જૂનાગઢ નજીક આવેલા ભવનાથમાં આગામી શિવરાત્રી મેળા અંગેની સ્થાનિકથી લઈ સરકાર કક્ષાએ પણ જાેરદાર તૈયારી ચાલી રહી છે. ગઈકાલે ગાંધીનગર ખાતે શિવરાત્રીના મેળાને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં એક મહત્વની બેઠક મળી હતી. જૂનાગઢ જીલ્લા વહીવટી તંત્ર, પદાધિકારીઓ, પોલીસ વિભાગ, સંતો સહિતના અગ્રણીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ વર્ષોથી નિસ્વાર્થભાવે સેવા આપતા ઉતારા મંડળને આમંત્રણ આપવામાં ન આવ્યું હોવાનું બહાર આવેલ છે અને આ અંગે ભારે ચર્ચા જગાવી છે. પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢ ખાતે યોજાતો શિવરાત્રીના મેળામાં આવનારા ભાવિકોની સેવા માટે જ્યારથી શિવરાત્રી મેળાની શરૂઆત થઈ છે ત્યારથી આજ દિવસ સુધી નિસ્વાર્થભાવે ઉતારા મંડળ સતત સેવા આપી રહેલ છે. અને અહીં આવનાર લાખો શ્રધ્ધાળુઓ માટે અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે. અને પ્રેમથી ભોજન પીરસવામાં આવે છે. શિવરાત્રી મેળાને મીનીકુંભ લઘુ મેળાનો દરજ્જાે આપવા માટે પણ ર૦૧પમાં સૌ પ્રથમ ઉતારા મંડળ દ્વારા જ સ્થાનીકથી લઈ સરકારમાં રજુઆત કરવામાં આવી હતી. અને તત્કાલીન સરકારે તેનો સ્વીકાર કર્યો હતો અને જૂનાગઢમાં શિવરાત્રીનો મેળો લઘુ કુંભ મેળા તરીકે અગાઉ ઉજ્જવવામાં આવ્યો હતો. આગામી શિવરાત્રીનો મેળો પણ લઘુ કુંભ મેળા તરીકે ઉજવાય તે માટેની રજુઆત ઉતારા મંડળ દ્વારા અવાર-નવાર કરવામાં આવી રહી છે. સરકાર કક્ષાએ પણ શિવરાત્રીના મેળાને ખુબ જ સારી રીતે ઉજવવામાં આવે તે માટેના પ્રયાસો ચાલી રહયા છે જેના ભાગરૂપે ગઈકાલે ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં વિવિધ ક્ષેત્રના પદાધીકારીઓ, સંતો સહિતના ઉપસ્થિત રહ્યા હતા પરંતુ વર્ષોથી આજ દિવસ સુધી સેવા આપી રહેલ ઉતારા મંડળને આ બેઠકનું આમંત્રણ જ નથી મળ્યું. અંદાજીત રપ૦ થી ૩૦૦ જેટલા ઉતારા મંડળ દ્વારા વર્ષોથી સેવાયજ્ઞ ચલાવી રહ્યા છે. ત્યારે તેમને કેમ આમંત્રણ ન અપાયું ? તેવા સવાલ ઉઠે છે દરમ્યાન ઉતારા મંડળના ભાવેશભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, ઈરાદાપૂર્વક જ ઉતારા મંડળને આમંત્રણ આપવામાં નથી આવ્યું. ઉતારા મંડળ વર્ષોથી નિસ્વાર્થ ભાવે સેવા કરે છે પરંતુ દર વર્ષે શિવરાત્રી મેળો કે પરીક્રમા હોય ત્યારે જાણી બુજીને ઉતારા મંડળ માટે અનેક પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે. ગિરનારજી મહારાજ બધુ જાણે જ છે. તેમ જણાવી ઉતારા મંડળ તો નિસ્વાર્થ ભાવે યાત્રાળુની સેવા કરતુ રહ્યું છે અને કરશે જ તેમ પણ ભાવેશભાઈ વેકરીયાએ જણાવ્યું હતું.


