જૂનાગઢ જીલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ સાધુ સંતોને ભોજન પીરસી સંતોના આશીર્વાદ મેળવ્યાં
કમિશ્નર તેજસ પરમાર, જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, નાયબ વન સંરક્ષક અક્ષય જાેશી સહિતના અધિકારીઓ સાધુ સંતોની ભોજન સેવામાં જાેડાયા
જૂનાગઢ, તા.૧૪
જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયા સહિતના અધિકારીઓએ મહાશિવરાત્રીના પર્વે આજે સાંજે પોતાના હાથે સાધુ સંતોને ભોજન પીરસીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા.
ભવનાથ મંદિરની જગ્યામાં જિલ્લા કલેકટરની સાથે કમિશ્નર તેજસ પરમાર, જિલ્લા પોલીસ વડા સુબોધ વડોદરા સહિતના અધિકારીઓએ સાધુ સંતોને ભાવપૂર્વક ભોજન કરાવી ધન્યતા અનુભવી હતી. જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે, મહાશિવરાત્રી પર્વ નિમિત્તે આજે પૂજ્ય સાધુ સંતોના આશીર્વાદ મેળવવાની સાથે ભોજન કરાવવાનો અમૂલ્ય લ્હાવો મળ્યો હતો.
તેમણે એમ પણ કહ્યું કે ખૂબ મોટી સંખ્યામાં જૂનાગઢના આંગણે મહાશિવરાત્રીના મેળામાં ભાવિકો પધારતા હોય ત્યારે ૨૫૦ જેટલા અન્ન ક્ષેત્રો લાખો ભાવિકોન પ્રસાદરૂપી ભોજન દ્વારા ભાવિકોના જઠરાઅગ્નિને ઠારે છે. આ માટે તેમણે અન્નક્ષેત્રનો પણ જિલ્લા વહીવટી તંત્ર વતી આભાર વ્યક્ત કર્યો હતો. સાધુ સંતોની ભોજન સેવામાં નાયબ વન સંરક્ષક અક્ષય જાેશી, અગ્રણી ધવલભાઈ દવે, યોગીભાઈ પઢીયાર, પ્રાંત અને મેળા અધિકારી ચરણસિંહ ગોહિલ સહિતના મહાનુભાવો જાેડાયા હતા. આ તકે ભારદ્વાજ ગીરીબાપુ જીતેન્દ્ર ભારતીબાપુ સહિતના સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. ભવનાથ મહાદેવ મંદિરની જગ્યામાં ચલાલાના શિવ શંભુ અન્નક્ષેત્ર દ્વારા ભોજન સેવા આપવામાં આવી રહી છે.


