શાપુરથી નાના કાજલીયાળા જવાનાં માર્ગ પર મધુરમ ફાર્મ પાસે મૃત પશુઓનાં ચામડા ઉતારી હાડપિંજર ફેંકવાને કારણે રોગચાળાનો ખતરો

એક તરફ ગંદકીને લઈને રોગચાળાનો ગંભીર ખતરો તો બીજી તરફ હિંસક પ્રાણીઓનાં હુમલાનાં ભય વચ્ચે ગ્રામજનો ભયભીત

શાપુરથી નાના કાજલીયાળા જવાનાં માર્ગ પર મધુરમ ફાર્મ પાસે મૃત પશુઓનાં ચામડા ઉતારી હાડપિંજર ફેંકવાને કારણે રોગચાળાનો ખતરો

જૂનાગઢ તા. ર૪
જૂનાગઢ જીલ્લાનાં વંથલી તાલુકાનાં શાપુરથી નાના કાજલીયાળા જવાનાં માર્ગ ઉપર મધુરમ ફાર્મ પાસે ગાય, ભેંસ સહીતનાં પશુઓનાં ચામડા ઉતારી તેના હાડપિંજરા જયાં ત્યાં ફેંકી દેવામાં આવતા હોવાનાં કારણે લોકોનાં આરોગ્ય ઉપર ગંભીર ખતરો તોળાઈ રહયો છે. આ ઉપરાંત મૃત પશુઓના હાડપિંજરો જયાં ફેંકવામાં આવે છે ત્યાં હિંસક પ્રાણીઓની પણ અવર જવર રહેતી હોવાનાં કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. સંબંધીત તંત્ર દ્વારા તાત્કાલીક અસરથી આ બાબતે પગલા ભરી અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગણી ઉઠવા પામી છે. શાપુરથી નાના કાજલીયાળા જવાના માર્ગ પર મધુરમ ફાર્મ પાસે ગાય, ભેંસ સહીત અન્ય પશુઓનાં કંકાલો જયાં ત્યાં પડેલા છે. ૧રથી વધારે મૃત હાડપીંજરો પડેલા છે. અને જેને કારણે દુર્ગંધમય વાતાવરણ તેમજ ગંદકીનું સર્જન થયું છે અને રોગચાળાનો પણ ખતરો તોળાઈ રહયો છે. અહી આસપાસ રહેતા ગ્રામજનોમાં આ બાબતે તીવ્ર આક્રોશ છવાયેલો રહયો છે. સ્થાનિક રહેવાસીઓએ પોતાની વ્યથા રજુ કરતા જણાવ્યું હતું કે એક તો અમારા આ વિસ્તારમાં હિંસક પ્રાણીઓની સતત અવર જવર રહેતી હોય જેને લઈને પણ ભય વ્યાપેલો છે. અને ગમે ત્યારે હિંસક પ્રાણીઓનાં હુમલા થઈ શકે તેમ છે. અમારે ફરજીયાત ના છુટકે આ રસ્તા પરથી જ પસાર થવું પડે છે. કારણ કે સામેની સાઈડમાં વરસાદ અને ચોમાસાને લીધે પાણી ભરેલા હોય ત્યાં રસ્તો બંધ થતો હોય જેથી ત્યાં ચાલી શકાય તેવી સ્થિતિ નથી. વધુમાં મૃત પશુઓનાં જે હાડપિંજરોે પડયા છે તે બાબતે ગ્રામજનોએ જણાવ્યું હતું કે આ જે હાડપિંજરો પડયા છે તે ગાય, ભેંસ સહિતનાં પ્રાણીઓનાં છે. અને આ પશુઓ ઉપરથી ચામડા ઉતારી લેવામાં આવે છે. અને ત્યારબાદ બાકી રહેલા હાડપીંજરને અહીં ફેંકી દેવામાં આવે છે. આ બાબતે અવાર નવાર ફરીયાદો કરવામાં આવે છે પરંતુ કોઈ જાતની કાર્યવાહી થતી નથી. તંત્રની મીઠી નજર હેઠળ આ કરતુત ચાલી રહયું છે ત્યારે આ વિસ્તારમાં એટલે કે મધુરમ ફાર્મ પાસેનાં આ માર્ગ ઉપર પશુઓના ચામડા ઉતારી અને મૃત કંકાલોને ફેંકી દેવાનાં કૃત્ય વહેલી તકે બંધ થાય તે માટે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ જવાબદાર હોય તેની સામે પગલા ભરવાની માંગણી કરવામાં આવી છે.