સોમનાથમાં સરકારી જગ્યામાં ખડકાયેલ ધાર્મિક દબાણ દુર કરવા સમયે ટોળાએ કરેલ પથ્થરમારામાં બે પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા

ડીમોલેશન અટકાવવા ઘસી આવેલ મહિલાઓના ટોળાએ પોલીસ સાથે રકઝક ઉગ્ર બોલાચાલી કરેલ. પોલીસે લાઠીચાર્જ કરી ટીયર ગેસના સેલ છોડી પરિસ્થિતિ કાબુમાં લીધી

સોમનાથમાં સરકારી જગ્યામાં ખડકાયેલ ધાર્મિક દબાણ દુર કરવા સમયે ટોળાએ કરેલ પથ્થરમારામાં બે પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા
વેરાવળ, તા.10
સોમનાથમાં શંખ સર્કલ નજીક વહીવટી તંત્ર દ્વારા સરકારી જમીન ઉપર ખડકાયેલા ધાર્મિક, રહેણાંક સહિતના ગેરકાયદે દબાણો દુર કરી આજે સવારે ફરીથી મેગા ડીમોલેશન ઓપરેશન હાથ ધર્યુ હતુ. દરમ્યાન મોડીસાંજે આ કામગીરી અટકાવવા મહિલાઓનું ટોળાએ ધસી આવેલ અને પાછળથી પોલીસ ઉપર પથ્થરમારો થતા નાસભાગ મચી ગઈ હતી. જો કે, ત્વરીત પોલીસે એક્શનમાં આવી હળવો લાઠીચાર્જ કરી ટીયર ગેસના સેલો છોડી પરિસ્થિતિ કાબુમાં લઈ રાત્રીના ડીમોલેશનની કામગીરી પુર્ણ કરાવી હતી. 
સોમનાથના સરકારી સર્વે નંબર 831 પૈકી 1 ની સરકારી જમીન પર લાંબા સમયથી ગેરકાયદેસર રીતે ખડકાયેલા 11 જેટલા દબાણો દુર કરવા આજે સવારથી તંત્રએ કામગીરી હાથ ધરી હતી. આ ડીમોલેશનની કાર્યવાહીમાં 11 જેટલા રહેણાંક તેમજ વાણિજ્ય હેતુના દબાણો સાથે એક ધાર્મિક દબાણો ઉપર બુલડોઝર ફેરવી દુર કરવા જીલ્લા કલેક્ટર ઉપાધ્યાયના સીધા માર્ગદર્શન હેઠળ વેરાવળ મામલતદારની ટીમએ કામગીરી હાથ ધરી હતી. તો ડીમોલેશનને લઈ કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાય નહીં તે માટે જીલ્લા પોલીસવડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ 1 ડીવાયએસપી, 2 પી.આઈ., 4 પી.એસ.આઈ., 82 પોલીસ જવાનો, 10 ટીઆરબી તેમજ LCB અને SOG ની ટીમો તૈનાત કરવામાં આવી હતી. તો 7 JCB, 10 ટ્રેક્ટર સહિતની મશીનરી મારફત ડીમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. 
આ કાર્યવાહી અંતર્ગત એસટી વિભાગને ફાળવવામાં આવેલી વધારાની 5 હજાર ચો.મી. જમીન ખુલ્લી થઈ હોવાથી એસટી વિભાગને તેની આગળની યોજનાઓ સાકાર કરવાનો માર્ગ મોકળો થયો છે. વેરાવળ મામલતદાર કચેરીના અધિકારીના જણાવ્યા મુજબ “સરકારી જમીન પર ગેરકાયદે દબાણો સામે તંત્રની કામગીરી અવિરત ચાલુ રહેશે. જેમાં કોઈપણ પ્રકારની દબાણ નીતિ, અવરોધ કે રાજકીય દખલને સ્થાન આપવામાં નહીં આવે. 
જો કે, આ ડીમોલેશનની કામગીરીમાં મોડીસાંજે ધાર્મિક (દરગાહ)ના દબાણને દુર કરવાની કવાયત શરૂ થતાં નજીકના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવાનોનું ટોળું સ્થળ ઉપર ધસી આવી પોલીસ સાથે ઉગ્ર રકઝક કરી કામગીરી અટકાવવા પ્રયાસ કરેલ હતો. આ સમયે પોલીસ અધિકારીઓ સમજાવટ કરી રહેલ ત્યારે અચાનક ટોળામાંથી પોલીસ સ્ટાફ ઉપર પથ્થરમારો શરૂ થયેલ જેના પગલે ઘડીભર નાસભાગ મચી ગઈ હતી. બાદમાં પોલીસે ટોળું વિખેરવા હળવો લાઠીચાર્જ કરવાની સાથે ત્રણ ટીયર ગેસના સેલ છોડીને પરિસ્થિતિ કાબુમાં લીધી હતી. પથ્થરમારાની જાણ થતાં એસીપી જાડેજા સહિતના અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવી હથિયારધારી પોલીસ કાફલો તૈનાત કરી દઈ ડીમોલેશનની કામગીરી પુર્ણ કરાવી હતી. આ ઘટના અંગે એસપી જાડેજાએ પત્રકારોને જણાવ્યા મુજબ હાલ પરિસ્થિતિ કાબુમાં લઈ લીધેલ છે. જો કોઈ અસામાજીક તત્વો પરિસ્થિતિ બગાડવાનો પ્રયાસ કરશે તો તેને કાયદાનું ભાન કરાવાશે. તો લોકોએ કોઈપણ પ્રકારની અફવાઓમાં ન આવવા અપીલ કરી હતી.
ડીમોલેશન દરમ્યાન 80 થી 100 લોકોના ટોળાએ કરેલા પથ્થરમારામાં બે પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયાનું સામે આવ્યુ છે. જેમાં પી.આઈ એમ.વી.પટેલ અને સર્વેલન્સ સ્ક્વોડના હેડ કોન્સ. જયસિંહ પરમાર ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. પોલીસે પથ્થરમારાની ઘટના અંગે તોફાની ટોળા વિરુદ્ધ ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરી છે.