નળસરોવર પક્ષી અભયારણ્યને પ્લાસ્ટિક પ્રદૂષણથી બચાવવા વન વિભાગે શરૂ કર્યો નવતર પ્રયોગ
નળ સરોવર પક્ષી અભયારણ્યની આસપાસનાં ગામોમાં ફેંકાયેલા પ્લાસ્ટિકના કચરાને સ્થાનિક લોકો વીણશે અને વન વિભાગ ખરીદશે
ગાંધીનગર તા. ૧ર
નળસરોવર પક્ષી અભયારણ્યમાં આસપાસનાં ગામોમાંથી આવતા પ્લાસ્ટિકનાં કચરાને રોકવા માટે ગુજરાત વન વિભાગે એક મહત્વની પહેલ હાથ ધરી છે. નળ સરોવર પક્ષી અભયારણ્ય હવે વિશ્વ પ્રસિદ્ધ ‘રામસર’ સાઇટ છે. ગુજરાત વન વિભાગે આ વેટલેન્ડમાં અને તેની આસપાસ પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવા માટે એક વ્યાપક પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય પ્લાસ્ટિકનું પ્રદૂષણ ઓછુ કરવાની સાથે સાથે સ્થાનિક લોકોમાં જાગૃતિ વધારવાનો અને આજીવિકાની તકો ઊભી કરવાનો છે.
નળસરોવર પક્ષી અભયારણ્યને વર્ષ-૨૦૧૨માં રામસર કન્વેન્શન હેઠળ ‘રામસર સાઇટ‘ (આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતો જળપ્લાવિક વિસ્તાર)નો દરજ્જાે મળ્યો છે. સેન્ટ્રલ એશિયન ફ્લાયવે પર સ્થિત આ અભયારણ્ય મધ્ય એશિયા, સાઇબિરીયા અને યુરોપથી આવતા લાખો યાયાવર પક્ષીઓ માટે શિયાળા દરમિયાન એક મહત્વપૂર્ણ આશ્રયસ્થાન અને રોકાણનું સ્થળ છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, છેલ્લા નવ વર્ષમાં ભારતમાં જળપ્લાવિક વિસ્તારો અને રામસર સાઇટોની સંખ્યા લગભગ ત્રણ ગણી વધી ગઈ છે, જે વેટલેન્ડ સંરક્ષણ પ્રત્યે દેશની વધતી જતી પ્રતિબદ્ધતા દર્શાવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ, ગુજરાત સરકારે પણ પ્લાસ્ટિક પ્રદૂષણ જેવા જાેખમોથી જળપ્લાવિસ્તારોને રક્ષણ કરવાને પ્રાથમિકતા આપી છે.
"જાપાન ઈન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (JICA) દ્વારા સમર્થિત ‘પ્રોજેક્ટ ફોર ઈકો-રિસ્ટોરેશન ઈન ગુજરાત‘ (PERG) હેઠળ રૂ.૨.૯૪ કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. નળસરોવર પક્ષી અભયારણ્ય, વાઇલ્ડલાઇફ ડિવિઝન (સાણંદ) દ્વારા સ્થાનિક ગ્રામ પંચાયતો, ઇકો-ડેવલપમેન્ટ કમિટીઓ (EDCs) અને સમુદાયના સભ્યોના સહયોગથી ચલાવવામાં આવે છે.
અગ્ર મુખ્ય વન સંરક્ષક (વન્યજીવ) અને ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન ડો. જયપાલ સિંહે જણાવ્યું કે, “અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના કાયલા ગામે ‘પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન સેન્ટર‘ સ્થાપિત કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ અમદાવાદ જિલ્લાના વેકરિયા, કાયલા, શાહપુર, ધારજી અને મેણી તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના નાની કઠેચી અને રાણાગઢ સહિત નળસરોવરની આસપાસના ગામોને આવરી લેશે.
"વન વિભાગની આ પહેલથી દર વર્ષે નળસરોવરમાં આવતા પ્લાસ્ટિકનાં કચરાને રોકી શકાશે અને અહીંની સમૃદ્ધ જૈવવિવિધતાને બચાવી શકાશે. વન વિભાગ ગામડાઓમાંથી પ્લાસ્ટિક કચરાનું વ્યવસ્થિત એકત્રીકરણ કરશે અને તેને કલેક્શન સેન્ટર સુધી પહોંચાડશે. આ કચરાને રિસાયકલ કરવામાં આવશે," વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી પ્રવીણ માળીએ જણાવ્યું હતું.
"ગામડાઓમાં કચરો એકત્રિત કરવા માટે ડબ્બાઓ મૂકવામાં આવ્યા છે. ઇકો-ડેવલપમેન્ટ કમિટીઓ ‘સ્વચ્છતા પ્રહરીઓ‘ની નિમણૂક કરશે. આ પ્રહરીઓ સ્થાનિક લોકોને સૂકો પ્લાસ્ટિક કચરો અલગ કરવા અને તેનો યોગ્ય નિકાલ કરવા પ્રોત્સાહિત કરશે. દૈનિક કચરાના સંગ્રહ અને પરિવહનને સુવ્યવસ્થિત કરવા માટે એક વિગતવાર વર્ક સ્ટડી પણ હાથ ધરવામાં આવ્યો છે," શ્રી પ્રવીણ માળીએ વધુમાં ઉમેર્યું હતું. વન વિભાગ પ્લાસ્ટિક કચરો ખરીદશે : લોકભાગીદારીને પ્રોત્સાહિત કરવા માટે, આ પ્રોજેક્ટ હેઠળ વન વિભાગ નળસરોવર પક્ષી અભયારણ્યની આસપાસના ગામોમાંથી એકત્રિત કરાયેલા પ્લાસ્ટિક કચરાને નક્કી કરેલી કિંમતે ખરીદશે.
"આ પ્રોજેક્ટ હેઠળ કચરો એકત્રિત કરવા માટેનો શેડ, પ્રોસેસિંગ યુનિટ, કમ્પાઉન્ડ વોલ, સિક્યુરિટી કેબિન, પાણી અને વીજળીની સુવિધાઓ, પ્લાસ્ટિક વેસ્ટ પ્રોસેસિંગ મશીન, સુરક્ષા સાધનો અને વેસ્ટ કલેક્શન બિન જેવી આવશ્યક પાયાની સુવિધાઓ પણ તૈયાર કરવામાં આવી છે. કચરો એકત્રિત કરવા અને તેના વ્યવસ્થાપનમાં સ્થાનિક રહેવાસીઓની સક્રિય ભાગીદારી દ્વારા રોજગારી ઊભી થવાની અપેક્ષા છે, જે આ પહેલને પર્યાવરણીય રીતે ટકાઉ અને સામાજિક રીતે સર્વસમાવેશી બનાવે છે," PERGનાં ચીફ પ્રોજેક્ટ ડાયરેક્ટર અને અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક એસ.કે. શ્રીવાસ્તવે જણાવ્યું હતું.
નળ સરોવરમાં ૨૭૦ પક્ષી પ્રજાતિઓ નોંધાઈ :
નળસરોવર પક્ષી અભયારણ્ય ખાતે વર્ષ ૨૦૨૫–૨૬માં કરવામાં આવેલી ગણતરી દરમિયાન પક્ષીઓની વિવિધતા અને વસ્તી બંનેમાં નોંધપાત્ર વધારો નોંધાયો જાેવા મળ્યો હતો.
૫૦ સરવે ઝોનમાં કુલ ૨૭૦ પક્ષી પ્રજાતિઓ અને અંદાજે ૬,૪૨,૨૩૨ પક્ષીઓની સંખ્યા નોંધાઈ હતી, જે વર્ષ ૨૦૨૩–૨૪ની ગણતરીની સરખામણીમાં ૨૬ પ્રજાતિઓ અને ૨,૨૮,૩૯૯ પક્ષીઓનો વધારો દર્શાવે છે.
અભયારણ્યમાં વૈશ્વિક સ્તરે લુપ્ત થવાના આરે પહોંચેલી અને દુર્લભ પ્રજાતિઓ જેવી કે યલો-બ્રેસ્ટેડ બંટિંગ (Yellow-breasted Bunting), સોશિયેબલ લેપવિંગ (Sociable Lapwing), ઈન્ડિયન સ્કિમર (Indian Skimmer), બેઅર્સ પોચાર્ડ (Baer's Pochard), ડાલમેશિયન પેલિકન (Dalmatian Pelican), અને સારસ ક્રેન (Saras Crane) જાેવા મળ્યા હતા, જે પ્રવાસી અને ભયગ્રસ્ત પક્ષીઓ માટેના નિર્ણાયક આશ્રયસ્થાન તરીકે નળસરોવરના વધતા મહત્વને રેખાંકિત કરે છે.


