વેરાવળ : બાકી વીજબીલ ધરાવતા ગ્રાહકો વિરૂધ્ધ વિશેષ મેગા ડિસકનેક્શન ડ્રાઇવ યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા)
પ્રભાસ-પાટણ તા.ર૬
પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિ. ના વેરાવળ વિભાગ હેઠળ બાકી વીજબીલ ધરાવતા ગ્રાહકો વિરૂધ્ધ વિશેષ મેગા ડિસકનેક્શન ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન પૂર્વે બાકીદારોને વ્યાપક જાહેરખબર દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા. સ્થાનિક અખબારો, જાહેર સૂચનાઓ, માઇકિંગ તથા વ્યક્તિગત નોટિસ દ્વારા પૂરતી તક આપવામાં આવી હતી કે તેઓ પોતાની બાકી રકમ સમયસર ભરપાઈ કરે. આજની કાર્યવાહી દરમ્યાન કુલ ૩૯૧ બાકીદારોના વીજ જોડાણ નિયમ મુજબ કાપવામાં આવ્યા, જેમની કુલ બાકી રકમ રૂા.૪૮ લાખ હતી. સાથે સાથે અભિયાન દરમ્યાન ૧૩૭૦ બાકીદારોએ તાત્કાલિક ઓનલાઈન ચુકવણી કરી કુલ રૂા.૧૫૭.૫૮ લાખની રકમ જમા કરાવી હતી. વેરાવળ વિભાગ દ્વારા જણાવવામાં આવે છે કે આવનારા દિવસોમાં પણ આ પ્રકારની ડિસકનેક્શન ડ્રાઇવ નિયમિત અને વારંવાર હાથ ધરવામાં આવશે. તેથી તમામ બાકીદારોને સૂચના આપવામાં આવે છે કે તેઓ તાત્કાલિક બાકી રકમની ચુકવણી કરી અનાવશ્યક કાર્યવાહીથી બચી રહે. બાકી રકમની સંપૂર્ણ ચુકવણી થયા બાદ નિયમ મુજબ પુન: જોડાણ આપવામાં આવશે.


