ભવનાથનાં વિકાસનો સુર્યોદય : ટુરીઝમ કોર્પોરેશન દ્વારા પાયલોટ પ્રોજેકટ રજુ કરાયો

તિર્થોના ધામ ભવનાથ અને આસપાસનાં વિસ્તારમાં વિકાસ માટેની પ્રક્રિયા શરૂ થઈ

ભવનાથનાં વિકાસનો સુર્યોદય : ટુરીઝમ કોર્પોરેશન દ્વારા પાયલોટ પ્રોજેકટ રજુ કરાયો

જૂનાગઢ તા. ૩૦
જૂનાગઢ નજીક આવેલા ભવનાથ અને ગીરનાર ક્ષેત્ર આધ્યાત્મીક દ્રષ્ટીએ તેમજ ઈશ્વર સાથેના સીધા સંવાદ સાધી શકાય તેવી આ પાવનકારી પવિત્ર ભૂમિનાં વિકાસ માટેનો એકશન પ્લાન ઘડાયો હોવાનું તેમજ તે અંતર્ગત એક પાયલોટ પ્રોજેકટ મુકવામાં આવ્યો છે. અને જેમાં ભવનાથ ક્ષેત્રની વિકાસની પ્રક્રિયા તેમજ સુદર્શન તળાવ સહીત નવનિર્માણની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. અને જે અંગે ટુંક સમયમાં જ ફાઈનલ પ્લાન અમલમાં આવશે તેવા નિર્દેશ મળી રહયા છે.
ભવનાથ મહાદેવ મંદિર છેલ્લા એક વર્ષ ઉપરાંતથી વહીવટી તંત્ર અંતર્ગત છે અને વહીવટદાર શાસન અમલમાં છે. શિવરાત્રીનો મેળો ખુબ જ ભવ્ય રીતે યોજવામાં આવ્યો હતો. તેમજ આગામી દિવસોમાં જ દેવદિવાળીનાં દિવસથી ગીરનારની લીલી પરીક્રમા પણ શરૂ થનાર છે અને તંત્ર દ્વારા તેની તૈયારી હાથ ધરાઈ છે. આ દરમ્યાન તાજેતરમાં જ જીલ્લા પ્રવાસન સમીતીની એક મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં ટુરીઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત ગાંધીનગરનાં આર્કીટેક દ્વારા ભવનાથ મંદિર ડેવલોપમેન્ટ તેમજ સોવેનિયર સોફટ સહીતનું જે નવુ ડેવલપમેન્ટ થશે તેનો પ્રાથમિક પ્રોજેકટ જૂનાગઢ કલેકટર યોગેશ ચૌધરીની અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં રજુ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં ઉપસ્થિત કલેકટર, ધારાસભ્ય સહીતનાં મહાનુભાવોએ કેટલાક ફેરફારો અને સુચનો કરવામાં આવ્યા હતાં. હાલ જે પ્રોજેકટ મુકવામાં આવ્યો છે તેમાં ખાસ કરીને ભવનાથ ક્ષેત્રમાં ગ્રાઉન્ડ ફલોર, બે માળ કંટ્રોલ રૂમ, ફંકશન હોલ સાથે એડમીનીસ્ટ્રેટીવ બિલ્ડીંગ બનાવવામાં આવશે. અને એક નવુ જ બિલ્ડીંગ ઉભુ કરવામાં આવશે. જયારે રસ્તા બાબતમાં સાઈન બોર્ડ, સ્કલચર, સ્ટ્રીટ લાઈટીંગ સાથે નવો રોડ ડેવલોપમેન્ટ થશે. શિવરાત્રીનાં મેળામાં યોજાતા રવેડી સરઘસ માટે રવેડી રૂટનો વિકાસ થશે. જેમાં સમગ્ર રૂટ પર સાઈનેઝીસ લાઈટીંગ કરવામાં આવશે. આ ઉપરાંત રીફ્રેશમેન્ટ માટે હૈયાત પાર્કીંગ ખાતે રેકડી બજાર સાથે સોવેનીયર શોપ અને કાફે રેસ્ટોરન્ટ બનશે. તેમજ ઓપન થીયેટર, સુદર્શન તળાવ અને ભવનાથ મંદિર પરીસરનું પણ ડેવલોપમેન્ટ કરવામાં આવશે તેવા નિર્દેશો મળી રહયા છે. ભવનાથ ક્ષેત્રનાં વિકાસ માટેની સરકાર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જે અંગેનાં સમાચાર મળતા જ સોરઠની જનતામાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.