શિવરાત્રીએ સોમનાથ મંદિરે સળંગ ૪૨ કલાક સુધી ભાવિકો માટે ખુલ્લું રહેશે

શિવરાત્રીએ સોમનાથ મંદિરે સળંગ ૪૨ કલાક સુધી ભાવિકો માટે ખુલ્લું રહેશે

વેરાવળ તા.૧૪
દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે આગામી મહાશિવરાત્રી પર્વની તડામાર તૈયારીઓ અને આયોજનો થઈ રહ્યા છે. જે  મુજબ મહાશિવરાત્રીએ એટલે કે ૧૫ ફેબ્રુઆરી રવિવારે દર્શનાર્થીઓ માટે સોમનાથ મંદિર વ્હેલી સવારે ૪ વાગ્યે ખુલશે અને બીજે દિવસે એટલે કે તા.૧૬ ફેબ્રુઆરીના રોજ રાત્રીના ૧૦ વાગ્યે બંધ થશે. આમ મંદિરના દ્વાર સતત સળંગ ૪૨ કલાક સુધી ભાવિકો માટે ખુલ્લા રહેશે. મહાશિવરાત્રીએ મંદિર ટ્રસ્ટ પ્રથમ ધજાનું પૂજન કરી સોમનાથ દાદાના શિખરે ધજારોહણ કરશે. મહાશિવરાત્રીના દિવસે સોમનાથ મંદિર પરિસરમાં ઢોલ-શરણાઈ, પવિત્ર વેદ મંત્રોચ્ચાર અને ધૂન-ભજન વાજતે-ગાજતે શિવજીની પાલખીયાત્રા કાઢવામાં આવશે. હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞ, બિલ્વપૂજા, પાધપૂજા, સોમેશ્વર પૂજા, મહામૃત્યુંજય જાપ પશ, સંધ્યા શણગાર, ચાર પ્રહર પૂજા, પાર્થેશ્વર પૂજા સહિતના વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરાયેલ છે. સોમનાથ ટ્રસ્ટ તરફથી માત્ર રૂપિયા ૨૫ માં બિલ્વપૂજા થઈ શકે અને ભાવિક પોસ્ટના માધ્યમથી મહાદેવની પ્રસાદી મેળવી શકે તે માટેની યોજના પણ જાહેર કરાયેલ છે. તેવી જ રીતે મહાશિવરાત્રીના પર્વે સોમનાથના સમુદ્ર તટે નિયત રકમમાં રજીસ્ટ્રેશન કરાવવાથી સોમનાથ સમુદ્ર તટે મારૂતિ બીચ ઉપર શાસ્ત્રોકત વિધિવિધાન સાથે ર્પાથિવ શિવલિંગની સમુહ મહાપૂજા યોજાશે. શિવરાત્રીને અનુલક્ષી સોમનાથ ખાતે  પાંચેક પ્રસાદી પીરસતા ભંડારા ધમધમશે. જેમાં ભાવિકોને નિ:શુલ્ક ભોજન- ફરાળ પ્રસાદી ઉપલબ્ધ કરાવશે. બહારગામથી પગપાળા, બસોમાં આવતા સંઘ સમાજના ભકતજનો મોટી સંખ્યામાં ઉમટશે તેવી ધારણાને લઈ તૈયારીઓ કરવામાં આવી છે. આ ઉપરાંત શિવરાત્રીને લઈ સોમનાથ મંદિર વિશેષ રંગબેરંગી ફુલો અને લાઈટોથી સુશોભિત કરવામાં આવી રહ્યુ છે. જયારે મંદિરમાં આવનાર તમામ યાત્રિકો સરળતાથી દર્શન કરી શકે તેવી વ્યવસ્થા રૂપ આયોજન કરવામાં આવ્યું છે. સોમનાથ મંદિરે શિવરાત્રીએ ખાસ વિશેષ ચાર પ્રહરની મહાપૂજા-આરતી થશે. જેમાં શિવરાત્રીની રાત્રીના ૯ વાગ્યે પ્રથમ પ્રહરની પૂજા આરતી અને ૯-૩૦ જ્યોત પૂજન. બીજા પ્રહર પૂજા રાત્રે ૧૧ વાગ્યે મધ્યરાત્રીએ અને આરતી રાત્રે ૧૨-૩૦ કલાકે. ત્રીજા પ્રહર પૂજા રાત્રે ૨-૪૫ કલાકે અને આરતી રાત્રે ૩-૩૦. ચોથા પ્રહર પૂજા પ્રાત: ૪-૪૫ કલાકે અને આરતી પ્રાત: ૫-૩૦. આ રીતે જોઈએ તો ૧૫ અને ૧૬ ફેબ્રુઆરીના રોજ બે દિવસ પૂજા, આરતી અનુષ્ઠાન સતત ચાલુ રહેશે.