યાત્રાધામ દ્વારકામાં પકડાયેલ ગૌમાંસના વિરોધમાં હિન્દુ સંગઠનો દ્વારા પ્રાંત અધિકારીને આવેદન
(પ્રતિનિધિ દ્વારા)
ઉના તા. ૧૪
દ્વારકા નજીકના રૂપેણ બંદર ખાતે તાજેતરમાં એક મહિલા સહિત બે શખ્સો દ્વારા ગૌમાંસ વેચાણની ઘટના સામે આવ્યા બાદ પોલીસ દ્વારા બંને ઈસમો સહિત સપ્લાયરની ધરપકડ સહિતની કાર્યવાહી કરાઈ છે. તાજેતરમાં દ્વારકાના શંકરાચાર્ય તેમજ પૂ.મોરારી બાપુ દ્વારા ઘટના અંગે સખ્ત પ્રતિક્રિયા આપ્યા બાદ આજરોજ હિન્દુ સંગઠનો દ્વારા સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી દ્વારકાના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. હિન્દુ સંગઠનના અગ્રણીઓ તેમજ ગૌપ્રેમીઓ સહિતના સ્થાનીકોએ પ્રાંત કચેરીએ આપેલ આવેદનમાં આ ઘટનામાં જ્વાબદાર ઈસમો સામે દાખલારૂપ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
આજરોજ સવારે ૧૧ કલાકે દ્વારકાના રબારી ગેઈટથી પ્રાંત કચેરી સુધી સાધુ-સંતો, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, મહિલા પાંખ સહિતના હિન્દુ સંગઠનો તેમજ ગૌભકતોએ વિશાળ રેલીમાં સૂત્રોચ્ચાર સાથે યાત્રાધામમાં બનેલી ઘટના અંગે રોષ વ્યકત કર્યો હતો અને પ્રાંત અધિકારીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.


