ગીર ફાઉન્ડેશન ગીર સોમનાથ જિલ્લા દ્વારા સર્વ જ્ઞાતિ દીકરીઓનો દ્વિતીય સમૂહ લગ્નોત્સવ યોજાયો
7 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડી નવા જીવનની શરૂઆત કરી
(પ્રતિનિધિ દ્વારા)
પ્રાચી તીર્થ તા.13
સમાજમાં એકતા, સહકાર અને માનવતાના સુંદર સંદેશ સાથે ગીર સોમનાથ જિલ્લામાં એક પ્રેરણાદાયક ઘટના સામે આવી છે. ગીર ફાઉન્ડેશન, ગીર સોમનાથ જિલ્લા દ્વારા સર્વ જ્ઞાતિ દીકરીઓનો દ્વિતીય સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે યોજાયો, જેમાં કુલ 7 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડી નવા જીવનની શરૂઆત કરી. વેરાવળ-તાલાળા રોડ ઉપર આવેલ ભાલકેશ્વર રિસોર્ટ ખાતે યોજાયેલા આ પવિત્ર સમૂહ લગ્નોત્સવમાં સામાજિક સમરસતા અને માનવસેવાનો અનોખો માહોલ જોવા મળ્યો. ગીર ફાઉન્ડેશનના અધ્યક્ષ કલ્પેશભાઈ ડી. રાઠોડ તથા તેમની ટીમે આ આયોજનને સફળ બનાવવા માટે કરેલી મહેનત પ્રશંસનીય રહી. આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના સન્માન સાથે લગ્ન સંપન્ન થાય અને સમાજમાં સહકારની ભાવના મજબૂત બને તેવા શુભ આશય સાથે આ આયોજન કરવામાં આવ્યું હતું. સમૂહ લગ્નોત્સવમાં જોડાનાર દરેક દીકરીને કરિયાવર સ્વરૂપે ૨૫ ઉપયોગી ઘરગથ્થુ વસ્તુઓ ભેટરૂપે આપવામાં આવી અને સાથે ગીર ફાઉન્ડેશનની ટીમ દ્વારા સોનાનું પણ દાન જેવા તેમના નવા જીવન માટે સહાયરૂપ બની રહેશે. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ આર્યન ભગત (સાળંગપુર ધામ) તથા કરશનદાસ બાપુ ઉપવાસી (મટાણા પાધેશ્વરી આશ્રમ)નું બાળાઓ દ્વારા ફુલહાર અને કુમકુમના તિલક સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ મુખ્ય મહેમાનોમાં દેવેન્દ્રભાઈ સોલંકી, પ્રેમભાઈ ગઢીયા, મસરીભાઈ રાઠોડ, પ્રતાપભાઈ બારડ, ડો. અશોકભાઈ ચુડાસમા, નિલેશભાઈ કામળિયા, રાજેશભાઈ વંશ, સતિષભાઈ કામળીયા, ભીખુભાઈ સોલંકી, દેવસીભાઈ સોલંકી સહિતના આગેવાનો અને દાતાશ્રીઓ ઉપસ્થિત રહી નવદંપતિઓને આશીર્વાદ પાઠવ્યા હતા. ગીર ફાઉન્ડેશન વર્ષ દરમિયાન વિવિધ સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા સતત કાર્યરત છે. નવરાત્રી દરમ્યાન દીકરીઓને લાણીમાં બુટી વિતરણ, પ્રતિભાશાળી વ્યક્તિઓને સન્માન, રાષ્ટ્રીય પર્વોએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન, વૃક્ષારોપણ અને જનજાગૃતિ કાર્યક્રમો જેવા અનેક ઉપક્રમો દ્વારા સંસ્થા સમાજમાં અનોખું યોગદાન આપી રહી છે. આ સમૂહ લગ્નોત્સવ સમાજમાં દીકરી પ્રત્યેના સન્માન, સહકાર અને સમરસતાનું જીવંત ઉદાહરણ બની રહ્યો છે, જેનાથી અન્ય સંસ્થાઓને પણ પ્રેરણા મળશે આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિલેશભાઈ પઢીયાર, નિપાલીબેન ઝાલાએ કર્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગીર ફાઉન્ડેશનના તમામ હોદ્દેદારો કાર્યકર્તાઓ સ્વયંસેવકો એ ખૂબ જ જહેમત ઉઠાવી ભવ્ય રીતે દીપાવ્યો હતો.


