ભવનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસનાં પ્રારંભે ભાવિકો ઉમટી પડયા

જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરનાં શિવાલયોમાં પૂજન, અર્ચન, આરતી સેવા પૂજાના વિશેષ કાર્યક્રમો : ભગવાન શિવજીની આરાધનામાં ભાવિકો લીન

ભવનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસનાં પ્રારંભે ભાવિકો ઉમટી પડયા

જૂનાગઢ તા.૧૩
દેવાધીદેવ ભગવાન શિવજીની આરાધનાનાં મહાપર્વ ગણાતા પવિત્ર શ્રાવણ માસનો આજથી શુભારંભ થયો છે. ત્યારે જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં આવેલા શિવાલયોમાં હર-હર મહાદેવનો નાદ ગુંજી ઉઠયો છે. દરમ્યાન જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તળેટી ખાતે બિરાજતા ભવનાથ મહાદેવ મંદિરે આજે વિશેષ શણગાર અને પૂજા સહિતનાં કાર્યક્રમો યોજાયા હતા જેમાં ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડયા છે અને દર્શન કરી ધન્ય બન્યા હતા.
ભોળાનાથ અને દેવાધીદેવનું બિરૂદ મળેલું છે તેવા ભગવાન શંકરની પૂજા ભક્તિ માટેના અવસર સમા શ્રાવણ માસનો આજથી શુભારંભ થયો છે.
ભોળાનાથની ભક્તિમાં ભાવિકો લીન થયા છે અને સર્વત્ર ભક્તિભાવ ભર્યો માહોલ પ્રસરી રહયો છે. જૂનાગઢ શહેરમાં આવેલા વિવિધ શિવમંદિરોમાં ભાવિકો આજે દર્શનાર્થે ઉમટી પડયા છે. ભગવાન શિવજીને બિલ્વપત્ર, જલાભિષેક, દુધાભિષેક તેમજ પુષ્પોનો શણગાર કરવામાં આવ્યો છે. આજે શિવાલયોમાં દર્શનાર્થીઓની લાંબી કતારો જાેવા મળી હતી.
શ્રાવણ માસએ ભગવાન શિવજીની આરાધના માટેનો શ્રેષ્ઠ સમય ગણાય છે. શ્રાવણ માસના પ્રારંભથી જ શિવઆરાધના સાથે આખો શ્રાવણ માસ શિવમંદિરોમાં ભાવ ભક્તિભર્યા માહોલ વચ્ચે સેવાપૂજા, વિશેષ શણગાર સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવશે. શિવમંદિરોને શણગારવામાં આવી રહયા છે. તેમજ લાઈટ ડેકોરેશન સાથે ભગવાન શિવજીનાં મંદિરોની સજાવટ કરવામાં આવી છે. શિવાલયોમાં શિવજીનાં વિવિધ સ્વરૂપો માટેના ખાસ આયોજનો પણ કરવામાં આવ્યા છે. તો કોઈ ધાર્મિક સ્થળોએ એટલે કે શિવાલયોમાં શિવ-પાર્વતીનાં વિવિધ સ્વરૂપોને પૂજા સાથે શણગારવામાં આવેલ છે.
જૂનાગઢ શહેરમાં આવેલા તમામ શિવ મંદિરોમાં વિશેષ પૂજા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તિર્થક્ષેત્રમાં આવેલ સુપ્રસિધ્ધ ભવનાથ મહાદેવ મંદિરે પણ વિશેષ પૂજાનાં કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે. ભવનાથ મહાદેવ મંદિરે દુર-દુરથી ભાવિકો દર્શનાર્થે ઉમટી પડયા છે. ભવનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી રહયા છે. શ્રાવણ માસ દરમ્યાન જૂનાગઢ શહેરમાં આવેલા બિલનાથ મહાદેવ મંદિર, ઓમકારેશ્વર મહાદેવ મંદિર, ભુતનાથ મહાદેવ મંદિર, માંગનાથ મહાદેવ મંદિર ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર, શિતલાકુંડ, જાગનાથ મહાદેવ મંદિર, વડલેશ્વર મહાદેવ મંદિર, સિધ્ધનાથ મહાદેવ મંદિર તેમજ જંગલમાં બિરાજતા ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર ઉપરાંત જટાશંકર મહાદેવ મંદિર, દાતારેશ્વર મહાદેવ મંદિર, બિલખા ખાતે બિલ્વગંગા નદીનાં કિનારે આવેલ બિલનાથ મહાદેવ મંદિર, તેમજ ગુડાજલી નદી પાસે આવેલા રામનાથ મહાદેવ મંદિર સહિતનાં ભગવાન શિવજીનાં મંદિરોમાં ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડયા છે અને દર્શનનો લાભ લીધો હતો. આ ઉપરાંત વાંકાનેર ખાતે બિરાજતા જડેશ્વર મહાદેવ મંદિરે પણ ભાવિકો દર્શનાર્થે ઉમટી પડયા છે.
શ્રાવણ માસના પ્રારંભ સાથે ભગવાન શિવજીની આરાધના ભકતજનો કરી રહયા છે. આ સાથે જ શ્રાવણ માસનાં તહેવારો પણ શરૂ થઈ રહયા હોય શ્રાવણ માસ દરમ્યાન  આવતા તહેવારોની ઉજવણી માટે પણ લોકોમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહયો છે. શ્રાવણ માસ દરમ્યાન સોમવારનું પણ ખાસ વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે ભગવાન શિવજીની વિશેષ પૂજા થતી હોય લોકો દર્શનાર્થે ઉમટી પડતા હોય છે.  ભગવાન શિવજીનાં મંદિરોમાં શ્રાવણ માસ દરમ્યાન સેવા, પૂજા, સત્સંગના કાર્યક્રમોના પણ આયોજન કરવામાં આવ્યા છે. શ્રાવણ માસ દરમ્યાન ભાવિકો પોતાના પરિવાર સાથે પણ જુદા જુદા શિવ મંદિરોના દર્શનાર્થે જતા હોય છે અને ધાર્મિક યાત્રા પ્રવાસના કાર્યક્રમો પણ આ દિવસોમાં  મોટા પાયે થતા રહે છે. શ્રાવણ માસના પ્રારંભ સાથે શિવાલયો હર-હર મહાદેવ હરના નાદથી ગુંજી ઉઠયા છે.