ઝારખંડમાં કેનરા બેન્કમાંથી રૂા.૩૬ કરોડની સનસનીખેજ લૂંટ
જમશેદપુર તા.૨૬:
જમશેદપુરના વ્યસ્ત ગોલમુરી ચોક નજીક આવેલી કેનરા બેંકની શાખામાં હથિયારધારી ગુનેગારોએ રાજ્યના ગુનાહિત ઇતિહાસની સૌથી મોટી લૂંટને અંજામ આપી હતી. મુશળધાર વરસાદનો લાભ લઈને રેનકોટ પહેરીને પહોંચેલા પાંચ લૂંટારુઓએ માત્ર ૨૪ મિનિટમાં બેંક કર્મચારીઓને બંધક બનાવી ચેસ્ટ અને સેફમાંથી ગ્રાહકોનું આશરે ૩૬ કરોડ રૂપિયાની કિમતનું ૨૩ કિલોગ્રામ સોનું (૬૦૦ પેકેટ) અને ૪૩ લાખ રૂપિયા રોકડા લૂંટી લીધા હતા. વર્ષ ૨૦૦૦માં ઝારખંડની રચના થયા બાદ કોઈ પણ નાણાકીય સંસ્થામાં થયેલી આ અત્યાર સુધીની સૌથી મોટી સોના અને રોકડની લૂંટ છે. આ ઘટનાને અંજામ આપ્યા બાદ લૂંટારુઓ બે બાઇક પર સવાર થઈને સરળતાથી ફરાર થઈ ગયા હતા.


