ટીકા કરવાના બદલે ઉત્તર બંગાળમાં કુદરતી આફતનો ભોગ બનેલા વિસ્તારોને સહાય કરવા મુખ્યમંત્રી મમતા બેનરજીનો અનુરોધ
કોલકાતા, તા.૧૮
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ બુધવારે ટીકાકારોને જવાબ આપતા જણાવ્યું હતું કે ઉત્તર બંગાળમાં કુદરતી આફતનો ભોગ બનેલા અસરગ્રસ્ત લોકો માટે રાજ્ય સરકારે હાથ ધરેલી રાહત અને પુન: વસવાટની કામગીરીની ટીકા કરવાના બદલે ટીકા કરવાવાળા લોકોએ પહેલા એ અસરગ્રસ્તોને મદદ કરવા માટે ઊભા થવું જાેઈએ. દાર્જિલિંગ હિલ્સ વિસ્તારમાં વહીવટી તંત્રની બેઠકને સંબોધન કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ઉત્તર બંગાળના પૂર તાંડવથી તારાજ વિસ્તારોમાં યુદ્ધના ધોરણે રાજ્ય સરકાર પુન: વસવાટનું કામ કરી રહી છે અને પડી ગયેલા મકાનોનું ફરીથી બાંધકામ કરવામાં આવી રહ્યું છે. પૂરમાં ધોવાઈ ગયેલા આરોગ્ય કેન્દ્ર અને વહીવટી તંત્રની ઇમારતોના સમારકામનું કામ ચાલી રહ્યું છે. સૌથી વધુ અસરગ્રસ્ત મિરિક વિસ્તારમાં તથા કલિમ્પોંગ, જલ્પાઈગુડી, અલી દ્વારપુર અને અન્ય વિસ્તારોમાં યુદ્ધના ધોરણે રાહત અને પુન: વસવાટની કામગીરી ચાલી રહી છે. તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકારની રાહત અને બચાવ કામગીરી અને પુન: વસવાટ કામગીરીની માત્ર ટીકા કરવાથી લોકોની પીડા અને યાતનાઓનો અંત આવી જશે નહીં. એમને મદદ કરવા માટે એમની પાસે પહોંચવું પડે અને એમની સાથે ઊભા રહેવું પડે. તેમણે નવી રચાયેલી પશ્ચિમ બંગાળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીમાં દિલ ખોલીને સખાવત કરવા અને ડોનેશન આપવાની લોકોને અપીલ કરી હતી અને જે કંઈ હિસાબ છે તેની વિગતો જાેરથી વાંચી સંભળાવવા તેમણે ઊર્જા મંત્રી અરુપ વિશ્વાસને વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે અમે નાણાં માટે ભીખ માંગી રહ્યા નથી. અમે લોકોની મદદ માટે પહોંચી વળીશું. મુખ્યમંત્રી આ રીતે કેન્દ્ર તરફ ઈશારો કર્યો હતો. અગાઉ પણ મુખ્યમંત્રીએ જાહેર કર્યું જ હતું કે કેન્દ્ર સરકારે ઉત્તર બંગાળમાં કુદરતી આફતને પહોંચી વળવાની દિશામાં એક પણ પૈસાની મદદ રાજ્ય સરકારને કરી નથી. તેમણે પાક વીમાની રકમ ખેડૂતોને ચૂકવવા માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કરીને અહેવાલ તૈયાર કરવા જિલ્લા મેજિસ્ટ્રેટને તાકીદ કરી હતી. વિસ્તારોમાં ખેડૂતોને કેટલું નુકસાન થયું છે તેનો રિપોર્ટ તૈયાર કરીને કૃષિ વિભાગને મોકલવા માટે તેમણે તમામ અસરગ્રસ્ત જિલ્લાઓના મેજિસ્ટ્રેટને આદેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વિનાશક પૂર તથા ભેખડો ધસી પડવાની ઘટનાઓ પછી રાજ્ય સરકારે નવા ખોલેલા સફલ બાંગલા કેન્દ્રોમાં ૫૦૦ ક્વિન્ટલ જેટલા બટેટા મોકલાવ્યા હતા.


