વેરાવળમાં ડીજીટલ અરેસ્ટના લીધે આપઘાતના મામલે મધ્યપ્રદેશમાંથી વધુ ચાર શખ્સો ઝડપાયા
એલસીબીનો સ્ટાફ રીક્ષા ચાલક અને મુસાફર બનીને સતત ૪૫ કલાક સુધી મેરેથોન દોડીને ભોપાલ અને સાગર જીલ્લામાંથી આરોપીઓ સુધી પહોંચેલ
(રાકેશ પરડવા દ્વારા)
વેરાવળ, તા.૧૮
વેરાવળના બિલ્ડરના પત્ની પૂજાબેન અશોકભાઈ ચોલેરાને વોટ્સએપ ઉપર બે અજાણ્યા નંબરોમાંથી મેસેજ અને કોલ આવેલા અને ગીફટ બપાર્સલ મોકલેલ હોવા બાબતે ઈન્કમટેક્ષ અને પોલીસમાં આખો પરીવાર ફસાઈ જશે તેવો ભય બતાવી યેનકેન પ્રકારે હેરાન પરેશાન કરી પૈસાની માંગણી કરીને ક્યુ આર કોડ મોકલેલ હતા. જેમાં પૂજાબેનએ કુલ રૂ.૧.૧૫ લાખ ટ્રાન્સફર કરાવેલ તેમ છતાં વધુ રકમની વારંવાર માંગણી કરી ધમકી આપતા હોવાથી કંટાળી જઈ ગત તા.૩૦-૮-૨૫ ના રોજ ઝેરી ટીકડા ખાઈને આપઘાત કરી લીધો હતો. આ મામલે ગુનો નોંધાયા બાદ એમપીમાંથી બે આરોપીઓને ઝડપી પૂછપરછ કરતા બંન્નેએ પોતાના બેંક એકાઉન્ટ ભાડે આપ્યા હોવાનું જણાવેલ હતું. આ મામલાના તાર અન્ય રાજ્યો સુધી જાેડાયેલા જણાતા કેસની તપાસ એલસીબી બ્રાન્ચને સોપવામાં આવી હતી. જેને લઈ એલસીબી પીઆઈ એમ.વી. પટેલ ના નેતૃત્વમાં ટીમે તપાસ શરૂ કરી હતી. જેમાં બંન્ને આરોપીઓ પાસેથી અને ટેકનીકલ સર્વેલન્સ થકી કેસના તાર મધ્યપ્રદેશ તથા બિહાર રાજ્યને જાેડાયેલા હોવાની વિગતો મળી હતી. જેને લઈ એલસીબી પીએસઆઈ આકાશસિંહ સિંધવના નેતૃત્વમાં ટીમ મધ્યપ્રદેશ પહોંચી હતી. ભોપાલ અને સાગર જીલ્લામાંથી (૧) દાતર ઉર્ફે મોનુ છક્કુલાલ ગબ્બુલાલ રજક ધોબી ઉ.વ.૨૭, (૨) હર્ષ ઉર્ફે હરસુ પર્વતસિંગ લોધી ઠાકુર ઉ.વ.૨૨, (૩) આકાશ હલકઇ બંસલ ઢંગેલ ઉ.વ.૨૫, (૪) જાગેશ્વર સુંદરલાલ આસારામ લોધી જંગેર ઉ.વ.૨૬ ને ઝડપી લઈ અત્રે લાવી પુછપરછ હાથ ધરી છે. આ મામલે એલસીબી પીઆઈ પટેલના જણાવ્યા મુજબ પકડાયેલા આરોપીઓ પૈકી હર્ષ ઉર્ફે હસુ અન્ય લોકો પાસેથી બેંક ખાતાઓ ખોલાવી તેમાં ડીજીટલ ફ્રોડ થકી આવતી રકમો ફેરવીને આગળ મોકલતો હતો. આ કામમાં બાકીના આરોપીઓ બેંક ખાતાઓ ખોલાવવામાં મદદરૂપ બનતા હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી છે. આરોપીઓ પાસેથી ૧૧ મોબાઈલ ફોન, જુદી જુદી બેંકના ૨૫ એટીએમ કાર્ડ અમે ૧૨ પાસબુકો તેમજ ૯ મોબાઈલના સીમકાર્ડ સહિતનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યા છે. તપાસમાં એક વોટસએપ નંબર પાકિસ્તાનનો હોવાનું સામે આવ્યુ છે. આ ચકચારી કેસમાં કુલ છ આરોપીઓ પોલીસના જાળમાં આવી ગયા હોય હજુ વધુ આરોપીઓની સંડોવણી હોવાથી તપાસ આગળ ધપાવવામાં આવ્યુ છે.


